ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજથી પ્રારંભ થઈ ગયો છે. પ્રથમ દિવસે જ નાણાખાતાનો હવાલો સંભાળતા નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ બજેટ રજૂ કરશે. તેઓ અગાઉ પણ એકથી વધુ વખત બજેટ રજૂ કરી ચૂકયા છે. ફાયર સેફટી સહિતના કેટલાક ખરડાઓ ગૃહમાં રજૂ કરવામાં આવશે. નાણા મંત્રી નીતિન પટેલ બપોર પછી બજેટ રજૂ કરે એવી શક્યતા છે.
આજે ગૃહમાં શોક દર્શક ઠરાવ પસાર કરી નિધન પામેલા નેતાઓને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. જોકે, વિધાનસભામાં ભાજપ કે કોંગ્રેસ એમ બન્નેમાંથી કોઈના પણ ધારાસભ્યે સુરતના તક્ષશિલા અગ્નિકાંડ અંગે શ્રધ્ધાંજલિ આપતો શોક દર્શક ઠરવા રજૂ કર્યો ન હતો. સુરતના 22 ભૂલકાઓને ભરખી જનારા અગ્નિકાંડમાં સંવેદનશીલ સરકારે શોક દર્શક ઠરાવનો એજન્ડામાં સમાવેશ કર્યો હતો.
સુરતના તક્ષશિલા અગ્નિકાંડ, મગફળી કૌભાંડ, કાયદો વ્યવસ્થા, બેરોજગારી, પાણી વગેરે મુદ્દે કૉંગ્રેસ આક્રમક મિજાજમાં દેખાય છે. કૉંગ્રેસ-ભાજપ બંને પક્ષે ગૃહની શરૂઆત પહેલા રણનીતિનો ખ્યાલ આપવા પોતાના ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. વિધાનસભાની કામકાજ સમિતિની બેઠક મળી હતી. સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનામાં બજેટ રજૂ થતું હોય છે, પરંતુ આ વખતે લોકસભાની ચૂંટણીની આચારસંહિતા અસરકર્તા હોવાથી ચાર મહિનાનું લેખાનુદાન રજૂ કરવામાં આવ્યું હતું. આવતીકાલે બાકીના 8 મહિનાને ધ્યાને રાખી પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે. જેમાં દિવ્યાંગોને પેન્શન સહિતની જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના છે. નજીકના ભવિષ્યમાં કોઈ ચૂંટણી નથી તેથી સરકાર કેટલોક કરબોજ ઝીંકે તો નવાઈ નહિ. ખેડૂતો માટે કોઈ નવી જોગવાઈ કરવામાં આવે તેવી સંભાવના છે. જંત્રી વધારાની વાતો પણ સંભળાઈ રહી છે. દરમિયાન લોકસભાની ચૂંટણી પછી પ્રથમ વખત બજેટ સત્ર મળી રહ્યું છે.
જ્વલંત વિજયથી ભાજપ ખુશખુશાલ છે. કૉંગ્રેસ નિરાશા ખંખેરીને મજબૂત વિપક્ષ તરીકે સરકારને ભીડવવા માગે છે. વિધાનસભા સત્ર 25 જુલાઈ સુધી ચાલવાનું છે જેમાં પ્રથમ દિવસથી જ કૉંગ્રેસ આક્રમક મિજાજ અપનાવવા માગે છે.