કોવિડ-19ના સંચાલનમાં ગુજરાતની હેલ્થ મશીનરી નિષ્ફળ રહી હોવાના અહેવાલોની ગંભીર નોંધ લેતા ગુજરાત હાઈકોર્ટે નોંધ્યું છે કે, ગુજરાત રાજ્ય મેડિકલ કટોકટીના આરે ઊભું છે. એટલું જ નહીં, આ અંગે સુઓમોટો નોંધ લેતા હાઈકોર્ટે “કોવિડ નિયંત્રણમાં અનિયંત્રિત ઉછાળો અને સંચાલનના ગંભીર મુદ્દાઓ” શિર્ષક હેઠળ નવેસરથી જાહેર હિતની અરજી (PIL) નોંધીને આજે સવારે 11 વાગ્યે તેની સુનાવણી મુકરર કરી છે. આ PIL સંબંધે હાઈકોર્ટે ગુજરાતના મુખ્ય સચિવ, રાજ્યના આરોગ્ય અગ્રસચિવ તથા કેન્દ્રીય ગૃહસચિવ તથા કેન્દ્રીય આરોગ્ય સચિવને નોટિસ પાઠવીને તેમને પ્રતિવાદી બનાવ્યા છે. આવતીકાલે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ તથા જસ્ટિસ ભાર્ગવ ડી કારિયાની બેન્ચ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા વર્ચ્યુઅલ સુનાવણી હાથ ધરશે. એટલું જ નહીં, રાજ્યના ટોચના સનદી અધિકારીઓને પણ આ લાઈવ કાર્યવાહીને તેના માટે જનરેટ કરાયેલી લિંક પર જોવા માટે સૂચન કરાયું છે.
ગુજરાતના મુખ્ય સચિવ-આરોગ્ય અગ્રસચિવ, કેન્દ્રીય ગૃહ સચિવ તથા આરોગ્ય સચિવને આ સુઓમોટો PIL સબબ હાઈકોર્ટે નોટિસ પાઠવી છે. આ નોટિસની સાથે છેલ્લા કેટલાક દિવસોથી અખબારમાં પાને-પાનાં ફરીને આવતા અહેવાલો અને તેમાં દર્શાવાતી ગુજરાતની સ્થિતિ વિશેની ટિપ્પણીઓની ઝેરોક્ષ પણ બીડાણ તરીકે રાખવામાં આવી છે. આ નકલો ઈમેઈલથી એડવોકેટ જનરલ, સરકારી વકીલ તથા એડિશનલ સોલિસિટર જનરલને મોકલી આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ગત 6 એપ્રિલના રોજ હાઈકોર્ટના ચીફ જસ્ટિસની અધ્યક્ષતા હેઠળની ખંડપીઠે વરિષ્ઠતમ સરકારી કાનૂની અધિકારીઓ, એડવોકેટ જનરલ તથા સરકારી વકીલ સાથે વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન ગુજરાતમાં વકરતી કોવિડ-19ની સ્થિતિ વિશે ચર્ચા કરી હતી. આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્યમાં જે રીતે તબીબી સ્થિતિનું સંચાલન કરાઈ રહ્યું છે તેના પ્રત્યે ચિંતા વ્યક્ત કરતાં સ્થિતિમાં સુધારો લાવવા જરૂરી પગલાંની પણ તાકિદ કરી હતી.
