નવી દિલ્હી તા.ર૬ : કોંગ્રેસ પક્ષને રામરામ કર્યા બાદ ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ચાલુ વર્ષે આવી રહેલી વિધાનસભાની ચૂંટણી પુર્વે ગુજરાતના રાજકારણમાં સક્રિય ભુમિકા ભજવવા માટે તૈયાર થયા હોવાનુ જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે વાઘેલાએ ભાજપના અસંતુષ્ટો ઉપરાંત ભાજપમાં પીએમ મોદીના વિરોધીઓ પાસે પોતાના વિશ્વાસુઓને મોકલ્યા છે તેવુ ડીએનએનો અહેવાલ જણાવે છે.
છેલ્લા કેટલાક દિવસોમાં શંકરસિંહ વાઘેલા સંઘના નેતા અને ભાજપના પુર્વ સેક્રેટરી સંજય જોષી અને વિહિપના નેતા પ્રવિણ તોગડીયાના પણ સંપર્કમાં હોવાનુ કહેવાય છે. તેઓ ભાજપમાં સાઇડ થઇ ગયેલા નેતાઓ જેમ કે પુર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને પુર્વ ગૃહ રાજયમંત્રી ગોરધન ઝડફીયાના સંપર્કમાં હોવાનુ પણ ચર્ચાય છે.
ડીએનએએ સુત્રોને ટાંકીને જણાવ્યુ છે કે શંકરસિંહ વાઘેલા નવો રાજકીય મોરચો સ્થાપવાની તૈયારી કરી રહ્યા છે અને આ બધા નેતાઓને ટેકો આપવા માટે સમજાવી રહ્યા છે. જો કે એ જાણી શકાયુ નથી કે આ બધા નેતાઓએ તેમને પ્રતિક્રિયા શું આપી છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે શંકરસિંહ વાઘેલાએ વિધાનસભાની ચૂંટણી પુર્વે કોઇ જોડાણ કરવા માટે એનસીપીના નેતા અને પુર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલ પટેલનો પણ સંપર્ક સાધ્યો હતો. તેઓ પાટીદાર નેતા હાર્દિક પટેલ, દલિત નેતા જીજ્ઞેશ મેવાણી, ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ અને ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોરના સંપર્કમાં હોવાનુ પણ કહેવાય છે.
જો કે શંકરસિંહ વાઘેલાએ આ બધી વાતોને નકારી કાઢી છે. કોઇ અશુભ હેતુથી આ પ્રકારના અહેવાલો ચગાવી રહ્યુ છે. હું નથી જાણતો કે કોણ આવી ખોટી માહિતીઓ આપી રહ્યુ છે. છેલ્લા ર વર્ષમાં હું આવા કોઇ નેતાને મળ્યો નથી તેમ તેમણે ડીએનએને જણાવ્યુ હતુ. તોગડિયા અને ઝડફિયાએ પણ વાઘેલા સાથે કોઇ ચર્ચા કરી હોય તેનો ઇન્કાર કર્યો છે.
દરમિયાન એવુ જાણવા મળે છે કે, ગુજરાત સરકાર શંકરસિંહની ભાવી રણનીતિની વિગતો મેળવી રહ્યુ છે. પ્રદેશ ભાજપ પણ વાઘેલા જુથના ધારાસભ્યોને પોતાની પાસે ખેંચવા તૈયારી કરી રહ્યુ છે. દરમિયાન આનંદીબેન પટેલે કહ્યુ છે કે, વાઘેલાએ મારો સંપર્ક કર્યો નથી પરંતુ તેઓ અન્યના સંપર્કમાં હોઇ શકે છે. અગાઉ જયારે મેં તેમને ભાજપમાં જોડાવા કહ્યુ હતુ ત્યારે તેઓએ ઇન્કાર કર્યો હતો. હવે મારા માનવા મુજબ તેઓ નજીકના સમયમાં ભાજપમાં જોડાય જશે.