બનાવટી એન્કાઉન્ટર કેસોના આરોપી સિનિયર પોલીસ-અધિકારીઓ એન. કે. અમીન અને તરુણ બારોટે ગઈ કાલે ગુજરાત પોલીસના હોદ્દા પરથી રાજીનામાં આપ્યાં હતાં.
નિવૃત્તિ પછી જે હોદ્દા પર ફરી નિમણૂક કરવામાં આવી હતી એ હોદ્દા પરથી રાજીનામાં આપવાની સર્વોચ્ચ અદાલતને બાંયધરી આપ્યાના થોડા કલાકો પછી બન્ને અધિકારીઓએ રાજીનામાં આપ્યાં હતાં.
વાંધાજનક ટ્રૅક-રેકૉર્ડ હોવા છતાં ફરી પોલીસદળમાં નિયુક્તિને પડકારતી અરજીઓના અનુસંધાનમાં બન્ને પોલીસ-અધિકારીઓએ રાજીનામાં આપ્યાં હતાં. ડૉક્ટરીનો વ્યવસાય છોડીને પોલીસ-અમલદાર બનેલા એન. કે. અમીન નવી નિમણૂકમાં તાપી જિલ્લાના SP તરીકે કામગીરી બજાવતા હતા. તરુણ બારોટને નિવૃત્તિના એક વર્ષ પછી વેસ્ટર્ન રેલવેના DSP તરીકે વડોદરા ખાતે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
રાજીનામા બાબતે એન. કે. અમીને જણાવ્યું હતું કે ‘સર્વોચ્ચ અદાલતમાં ચાલતા કેસને કારણે ગુજરાત સરકારને અપમાનજનક સ્થિતિથી બચાવવા માટે મેં અને તરુણ બારોટે રાજીનામાં આપ્યાં છે. જનતાનાં કાર્યો કરવા માટે પોલીસ સર્વિસ સિવાયના પણ ઘણા માર્ગો છે. ચાહત અને સહયોગ માટે હું તાપી જિલ્લાના અને ગુજરાતના નાગરિકોનો આભાર માનું છું.’
એન. કે. અમીન સોહરાબુદ્દીન શેખ તથા ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં અને તરુણ બારોટ ઇશરત જહાં અને સાદિક જમાલ એન્કાઉન્ટર કેસમાં આરોપી હતા. એન. કે. અમીનને ગયા વર્ષે મુંબઈની સ્પેશ્યલ CBI કોર્ટે બન્ને કેસમાંથી ડિસ્ચાર્જ કર્યા હતા અને તરુણ બારોટ ઇશરત જહાં અને સાદિક જમાલ બન્ને કેસમાં આરોપોનો સામનો કરી રહ્યા છે.