સુરતઃ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ સુરતમાં શનિવારે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના તમામ નેતાઓ માટે ભાજપના દ્વાર ખુલ્લા છે. એક તરફ શંકરસિંહ અને તેમના સાથીઓ ભાજપમાં જઈ રહ્યા છે તેવી અટકળો અને ચર્ચાઓ ચાલી રહી છે ત્યાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનું આ નિવેદન રાજકીય રીતે સૂચક માનવામાં આવી રહ્યું છે.
કોંગ્રેસના નારાજ નેતા શંકરસિંહ વાઘેલાને મનાવવામાં કોંગ્રેસ સફળ રહ્યું હોવાનો દાવો કોંગ્રેસીઓ કરી રહ્યા છે તથા ખુદ શંકરસિંહએ તેઓ ભાજપમાં જવાના નથી તેવી કરેલી સ્પષ્ટતા બાદ ભાજપના પ્રદેશ પ્રમુખનું આ નિવેદન ઘણું મહત્વનું બની ગયું છે. જીત વાઘાણીએ પત્રકારો સાથેની વાતમાં પાટીદાર આંદોલનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે હાર્દિક પટેલ જે આંદોલન ચલાવી રહ્યો છે તે કોંગ્રેસનો પ્રાયોજીત પ્રોગ્રામ છે. હવે પ્રજા આ આંદોલન સાથે નથી.
સુરતના રજવાડી પાર્ટીપ્લોટ ખાતે જ્ઞાતિ રત્ન એવોર્ડ લેવા સુરત આવેલા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના આ બંને નિવેદનો આવનારા સમય માટે સૂચક છે. બે દિવસ અગાઉ સુરત પોલીસ સામે હાજરી પુરાવવા આવેલા હાર્દિક પટેલે સુરતમાં જ આગામી દિવસોમાં કાર્યક્રમ આપવાની જાહેરાત કરી હતી ત્યાર બાદ જીતુ વાઘાણીએ હાર્દિકના આંદોલનને રાજકીય કહી આંદોલનને ટેકો આપી રહેલા પટેલોને પોતાની તરફ વાળવાનો પ્રયત્ન કર્યો છે.