આપણે ત્યાં ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાં દિવાળીના દિવસોમાં ધનતેરસ, કાળીચૌદસ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઇબીજ એ પાંચ તહેવારના તમામ દિવસોનું પોતાનું આગવું મહતવ છે. ધનતેરસમાં ધન શબ્દ માત્ર રૂપિયા પૈસા કે રોકડ કરન્સીના સીમિત અર્થમાં નથી. આપણે ત્યાં વિદ્યાધન, ગોધન, પશુધન, એમ વિવિધ પ્રકારની સંપત્તિ મનાય છે. આમ છતાં આજના યુગમાં આર્થિક સમૃદ્ધિને જે રીતે વિશેષ પ્રાધાન્ય મળેલું છે તે જોતા દરેક માનવી નાણાકીય સધ્ધરતા મેળવવા મથતો રહે છે તે સહજ છે.
ધનતેરસનું ખગોળીય મહત્વ પશ્ચિમ ભારતની પંચાંગ પદ્ધતિ મુજબ આસો વદ તેરસે ધનતેરસ આવે છે. ઉત્તર ભારત અને રાજસ્થાનની પંચાંગ પ્રણાલિકા મુજબ ર્કાિતક વદ તેરસે ધનતેરસ આવે છે. તાત્વિક રીતે એક જ દિવસે ધનતેરસ આવે છે. તુલા સંક્રાંતિ દરમિયાન કન્યા રાશિમાં ચંદ્ર હોય અને વદ તેરસ તિથિ હોય ત્યારે ધનતેરસ આવે છે. આ વર્ષે તા. ૨૫-૧૦-૨૦૧૯ ને શુક્રવારે ધનતેરસ છે. ધનતેરસે સાંજે પ્રદોષકાળે (સૂર્યાસ્ત પછીના ત્રણ મુહૂર્તનો સમયગાળો) લક્ષ્મીપૂજનનો વિશેષ મહિમા છે.
(૧) વહેલી સવારથી સ્નાન વગેરેથી શુદ્ધ થઇને દિવસ દરમિયાન ઇષ્ટદેવતા, કુળદેવી તથા લક્ષ્મીનારાયણની ભક્તિ કરવી. (૨) આ દિવસે શક્ય તેટલા શ્રીસૂક્તના પાઠ ભાવપૂર્વક કરવા જોઈએ.
(૩) લક્ષ્મીજીની સાથેસાથે શારદા- સરસ્વતીના મંત્રો શ્રદ્ધાપૂર્વક કરવા.
(૪) જન્મકુંડળીમાં ધનસુખના યોગનું નિર્માણ કરતા ગ્રહના મંત્રના જાપની યથાશક્તિ ૧-૩-૫-૭-કે ૧૧ માળા કરી શકાય.
(૫) લક્ષ્મીનારાયણની તસવીર સમક્ષ વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો જોઇએ. (૬) પુષ્ય નક્ષત્રમાં કોઇ દ્રવ્ય (સોનું, ચાંદી, રત્ન, ઝવેરાત વગેરે) ખરીદીને લાવ્યા હોય તો ધનતેરસના દિવસે તેની પૂજા અવશ્ય કરવી જોઇએ.
આર્થિક સધ્ધરતા સૂચવતા વિવિધ યોગોઃ
જન્મકુંડળીમાં આર્થિક બાબતે શુભાશુભ જાણવા માટે બીજું (ધન) અને અગિયારમું (લાભ) સ્થાન વધુ મહત્ત્વ ધરાવે છે. આકસ્મિક ધનલાભ માટે પાંચમું સ્થાન અને આઠમું સ્થાન પણ અગત્યનું ગણાય છે.
લક્ષ્મીકારક ગ્રહોઃ ધનસુખ માટે સૌથી વધુ મહત્ત્વનો કારક ગ્રહ શુક્ર છે. તેને ખાસ મહત્ત્વ આપવું જોઇએ. વળી ચંદ્ર ગુરુ જેવા ગ્રહોના શુભત્વને પણ ધ્યાનમાં લેવું જોઇએ. ચંદ્ર મંગળનો સંયોગ જન્મકુંડળીમાં લક્ષ્મીયોગનું સર્જન કરે છે.
વિલ-વારસાથી ધનસુખઃ વડીલ વર્ગ તરફ્થી મળવાપાત્ર મિલકત તેમજ વિલ-વારસા માટે જન્મકુંડળીમાં આઠમું સ્થાન અગત્યનું છે. સહેજ વધુ વિચારીએ તો જણાશે કે આઠમું સ્થાન એટલે સાતમાસ્થાન (પત્ની ભુવન) થી બીજું સ્થાન થાય. પત્ની તરફ્થી ધનલાભ થશે કે કેમ? તે બાબત અવશ્ય જાણી શકાય છે. કર્મના સિદ્ધાંત મુજબ જોઇએ તો દસમા કર્મસ્થાનથી અગિયારમું (લાભ) સ્થાન એટલે જન્મકુંડળીમાં આઠમું સ્થાન આવે છે. જન્મકુંડળીમાં આઠમે રહેલો કેતુ તેમજ ક્યારેક અષ્ટમેશ ગ્રહ દ્વિતીય (ધન) સ્થાનમાં રહ્યો હોય તો વારસાગત મિલકતના યોગનું સર્જન કરે છે.
જન્મકુંડળીમાં પહેલું, ચોથું, સાતમું અને દસમું સ્થાન કેન્દ્ર સ્થાન તરીકે ઓળખાય છે. પાંચમું અને નવમું સ્થાન ત્રિકોણ સ્થાન તરીકે ઓળખાય છે. અત્રે સાદી અને સરળ ભાષામાં ધનપ્રાપ્તિના યોગની જાણકારી આપી છે.
ધનપ્રાપ્તિના યોગઃ
(૧) વૃષભ રાશિના ચંદ્ર પર ગુરુની દૃષ્ટિ હોય તો ઉત્તમ લક્ષ્મી યોગ બને છે.
(૨) કર્ક રાશિના ચંદ્ર પર મીનના ગુરુની દૃષ્ટિ હોય તો સારો લક્ષ્મીયોગ ગણાય.
(૩) જન્મકુંડળીના બીજા સ્થાને વૃષભ કે તુલા રાશિનો શુક્ર સારો પૈસો આપે.
(૪) લગ્નેશ લાભસ્થાને હોય તેમજ લાભેશ લગ્નસ્થાને હોય તો સારો લક્ષ્મીયોગ. અચાનક પૈસા પણ મળે.
(૫) નવમાંશ કુંડળીમાં વર્ગોત્તમી ચંદ્ર સારો હોય તો યશ -ર્કીિત તથા લક્ષ્મી આપે છે. અહીં પૂર્ણ ચંદ્ર કે વધુ કળાનો ચંદ્ર (સુદ દસમથી વદ પાંચમ તિથિનો) હોય તો ફ્ળની માત્રામાં વધારો કરે છે.
(૬) લગ્નેશ લગ્નસ્થાને તથા લાભેશ લાભસ્થાને હોય તો જાતક ધનવાન હોય. સાદી ભાષામાં લગ્નેશ અને લાભેશ સ્વગૃહી હોવા જોઇએ.
(૭) પંચમેશ પાંચમા સ્થાને હોય તો સંતાન થકી ભાગ્યોદય કરાવે છે.
(૮) ભાગ્યસ્થાનનો સ્વામી ઉચ્ચનો કે સ્વગૃહી થઇને કેન્દ્રસ્થાનમાં કે ત્રિકોણ સ્થાનમાં હોય તો શ્રેષ્ઠ લક્ષ્મીયોગ બને છે.
(૯) ધનેશ અને લાભેશ લાભસ્થાને હોય તો સારો લક્ષ્મીયોગ ગણાય.
(૧૦) કર્ક લગ્નની કુંડળીમાં પાંચમે વૃશ્ચિક રાશિનો મંગળ અને અગિયારમા સ્થાને વૃષભ રાશિનો ચંદ્ર અખૂટ લક્ષ્મીયોગ આપે. (૧૧) ધન સ્થાનનો સ્વામી કેન્દ્રમાં હોય તો વ્યક્તિ આરામથી જિંદગી વિતાવે છે.
(૧૨) જન્મકુંડળીમાં લગ્નેશ અને ધનેશ પરસ્પર એકબીજાના સ્થાનમાં હોય તો વ્યક્તિ ધનવાન થાય.
(૧૩) કર્ક લગ્નમાં ઉચ્ચનો ચંદ્ર, ઉચ્ચનો ગુરુ કે ઉચ્ચનો મંગળ વ્યક્તિને સારો ધનલાભ આપે છે.
(૧૪) જન્મકુંડળીમાં કેન્દ્ર અને ત્રિકોણ સ્થાનના અધિપતિનો સંબંધ સારી લક્ષ્મી આપે છે.
(૧૫) લગ્નેશ ચોથા સ્થાને કે ચતુર્થેશ લગ્નસ્થાને હોય તો માતા થકી ધનલાભ અપાવે.
(૧૬) ભાગ્યેશ લગ્ન સ્થાને (પ્રથમ સ્થાને) હોય તો લગ્ન પછી ભાગ્યોદય કરાવે.
(૧૭) સ્વગૃહી શુક્રની સાથે ચંદ્ર દેહભાવે હોય તો અખૂટ લક્ષ્મીયોગ બને છે.
(૧૮) કર્મેશ બળવાન થઇને લાભસ્થાને હોય તો સારો ધનલાભ અપાવે.
(૧૯) ભાગ્યેશ સાતમા સ્થાને હોય તો પતિ-પત્ની થકી સારો ફયદો કરાવે છે.
(૨૦) કર્ક લગ્નની કુંડળીમાં પાંચમે વૃશ્ચિક રાશિનો મંગળ સારું ધન આપે છે.
(૨૧) મેષ લગ્નની કુંડળીમાં પ્રથમ સ્થાને મંગળ હોય તો મહેનતનો પૈસો આપે છે. મજૂરમાંથી કારખાનાના માલિક થનારી વ્યક્તિઓની કુંડળીમાં આ યોગ જોવા મળે છે.
(૨૨) વૃષભ લગ્નની કુંડળીમાં છઠ્ઠા સ્થાને તુલા રાશિનો શુક્ર સારો પૈસો આપે છે.
(૨૩) કર્ક લગ્નની કુંડળીમાં ચોથા સ્થાને તુલા રાશિનો શનિ તથા દસમે મેષ રાશિનો મંગળ સારો ધનલાભ આપે છે.
(૨૪) પ્રથમ સ્થાને તુલા રાશિનો શુક્ર હોય તો વ્યક્તિને ધનવાન બનાવે છે.
નોંધઃ બને ત્યાં સુધી કાળા – કાબરચિતરાં રંગનાં વસ્ત્રો આ દિવસે પહેરવાં નહીં. પૂજામાં તુલસીનાં પાન તથા નાગરવેલનાં પાનનો ખાસ સમાવેશ કરવો જોઇએ.