બનાસકાંઠાના ભાભરના અબાસણા ગામે LCBની ટીમે રેડ કરતા રમેશ નગાજી ઠાકોર અને પ્રહલાદ મણાજી ઠાકોર પાસેથી દારૂની બોટલ મળી આવતા ચકચાર મચી છે.
આપને જણાવી દઈએ કે રમેશ નગાજી ઠાકોર વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના સગા ભાઈ છે.
બે બોટલ સાથે રમેશ ઠાકોર અને ચાર બોટલ સાથે પ્રહલાદ ઠાકોર ઝડપાઈ જતા ભાભર પોલીસ મથકે રમેશ નગાજી ઠાકોર અને પ્રહલાદ મણાજી ઠાકોર વિરુદ્ધ પ્રોહીબિશન હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પોતે અગાઉ અનેકવાર જનતા રેડ કરીને દારુ બનાવતી ભઠ્ઠીઓ અને દારુના અડ્ડાઓ બંધ કરાવી દારૂના વેચાણ મામલે ગેનીબેને પોલીસ સામે ગંભીર આરોપ પણ લગાવ્યા હતા.
હવે ખુદ તેમનો સગો ભાઈ ઈંગ્લીશ દારૂની બોટલ સાથે ઝડપાતા આ વિસ્તારમાં આ મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.
ગેની ઠાકોર જેમનું પૂરું નામ ગેનીબેન નાગાજી ઠાકોર છે, તેઓ એક કોંગ્રેસ પક્ષના મહિલા રાજકારણી છે જે ગુજરાત વિધાનસભાની વાવ બેઠકના ધારાસભ્ય છે. ગની બેન ઠાકોરે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીના દિગ્ગજ નેતા શંકર ચૌધરીને હરાવ્યા હતા.
ગેની બેન દારૂના કટ્ટર વિરોધી છે અને અનેકવાર દારૂના અડ્ડા ઉપર જઈ પોતેજ જનતાને સાથે લઈ રેડ કરી દારૂ બંધ કરાવ્યો છે ત્યારે હવે તેઓના ભાઈ દારૂની બાટલી સાથે ઝડપાઇ જતા મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.