સ્પોટર્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન થયું છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં યુવાનોમાં છુપાયેલી પ્રતિભાઓને ઓળખી શકાય અને સ્પર્ધાના માધ્યમથી કૌશલ્ય બતાવવાની તક પુરી પાડી શકે એ માટે રાજયમાં એક વાતાવરણ ઊભું થાય એવા આશય થી ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે.
સ્વીમીંગ સ્પર્ધામાં વાંસદા તાલુકાની માનકુનિયા પ્રા.શાળામાં અભ્યાસ કરતી કુ.રવિના ભુજાડે કોઇપણ તાલીમ વગર નદી, તળાવમાં તરવાની શીખીને ૧૧ વર્ષની વયે ભાગ લઇ ફ્રી સ્ટાઇલ ૧૦૦ મીટર તરણ સ્પર્ધામાં પ્રથમ આવી હતી. જયારે માનકુનિયા વસલ રૂમસી વારડીએ ભાઇઓમાં ત્રીજા ક્રમ પ્રાપ્ત કરી માનકુનિયાનું ગૌરવ વધાર્યું હતું. બંન્ને સ્પર્ધકોએ વાંસદા તાલુકાનું ગૌરવ વધાર્યું છે.
નવસારી નગરપાલિકાના સ્વામી વિવેકાનંદ તરણકુંડ ખાતે નવસારી નગરપાલિકાના પ્રમુખ અલકાબેન દેસાઇ, એન્જિનિયર રાજુભાઇ ગુપ્તા, છાયાબેન દેસાઇ, મીનાબેન દેસાઇ વગેરે ઉપસ્થિત રહયા હતા. જિલ્લા કક્ષાની સ્વીમીંગ સ્પર્ધા યોજાઇ હતી. સ્વીમીંગની જુદી જુદી સ્પર્ધાઓ ફ્રી સ્ટાઇલ, બેકસ્ટ્રોક, બટરફલાય, બ્રેસ્ટ સ્ટ્રોક, વ્યકિતગત મીડલ રીલેમાં ૩૦૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
નગરપાલિકા પ્રમુખ અલકાબેન દેસાઇએ સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી, ખેલાડીઓની ખેલદિલી ભાવનાને બિરદાવી હતી. પ્રારંભમાં મદ્રેસા હાઇસ્કુલના આચાર્ય જેમી અવારીએ સૌને આવકાર્યા હતા.
આ પ્રસંગે સ્પર્ધા પ્રથમ, દ્વિતિય અને તૃતિય સ્પર્ધકોને જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્રના સિનિયર કોચ રાજેશ માળવી, રમતગમત વિભાગના વિરલ ચૌધરી, સ્વીમીંગ શિક્ષક ઇલીયાસ શેખ, રાજેશભાઇ પરમાર, પાત્રાવાળા, મર્જબાન, માહિતી વિભાગના ભરતભાઇ પટેલના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.