વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે પોતાના પ્રચાર માટે શરુ કરેલી નમો ગુજરાત ચેનલ ચાર મહિનામાં જ બંધ થઇ હતી અને હવે તેનું ફર્નિચર પણ કબાડીવાળાને ત્યાં વેચાઇ રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા અને વિધાનસભા 2012ની ચૂંટણી લડી રહ્યાં હતાં. આ દરમિયાન ચૂંટણીનાં ત્રણ મહિના પહેલા ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં પોતાના અને ભાજપના પ્રચાર માટે નમો ગુજરાત નામની ટીવી ચેનલ શરુ કરી હતી. નમો ગુજરાત ચેનલમાં આ દરમિયાન નરેન્દ્ર મોદીની તમામ રેલીઓ અને થ્રી ડી સભાઓ લાઇવ દર્શાવવામાં આવતી હતી તથા ભાજપનો પ્રચાર કરવામાં આવતો હતો. નમો ગુજરાત ચેનલ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ ચૂંટણીના ત્રણ મહિના પહેલા શરુ કરવામાં આવી હતી અને તેનો ટેકનિકલ સ્ટાફ દક્ષિણ ભારતમાંથી અને કેમેરામેન બેંગાલુરુ અને દિલ્હીમાંથી લાવવામાં આવ્યા હતાં.
ગુજરાતમાં આ ચેનલ શરુ કરવામાં આવ્યા બાદ સ્થાનિક પત્રકારોને રાખવામાં આવ્યા હતાં અને રોકડથી તેમને પગાર ચૂકવાતો હતો. આ પત્રકારો પાસે સતત થ્રી ડી સભાઓનું કવરેજ કરાવાતુ હતું અને થ્રી ડી સભા પૂર્ણ કર્યા બાદ તરત જ બીજા શહેરમાં સભા માટે મોકલી આપવામાં આવતા હતાં તેના કારણે તેમને સતત ટ્રાવેલિંગ કરવું પડતું અને મોટાભાગનો સમય કારમાં જ પસાર થતો.
વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા અને મોદી અને ભાજપને ભવ્ય વિજય મળ્યાના એક મહિના બાદ 31 જાન્યુઆરી 2013ના રોજ નમો ગુજરાત ચેનલ બંધ કરી દેવામાં આવી હતી તથા સ્ટાફને પણ છૂટો કરી દેવામાં આવ્યો હતો. આ ચેનલની ઓફિસ પણ અમદાવાદ રખાઇ હતી. નમો ગુજરાત ચેનલ બંધ થયા બાદ તેનું ફર્નિચર પણ અમદાવાદના કબાડીઓને ત્યા વેચાઇ રહ્યું છે અને તે પણ એકદમ સસ્તા ભાવે. મોદી વડાપ્રધાન બની ગયા બાદ ગુજરાતની બહાર ગયા બાદ આ ચેનલનું ફર્નિચર વેચાતુ જોઈ રાજકીય સ્તરે એવી ચર્ચા થઇ રહી છે કે મોદીના ગયા બાદ ગુજરાતમાં મોદીના ડ્રિમ પ્રોજેક્ટ્સ પણ આવી રીતે જ ધૂળ ખાઇ રહ્યાં છે.