બનાસકાંઠા જિલ્લામાં છેલ્લાબે દિવસથી વરસાદ પડી રહ્યો છે ત્યારે આજે વહેલી સવારે ધોધમાર વરસાદ પડતાં સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે.
પાલનપુર શહેરમાં આજે વહેલી સવારે ત્રણ ઇંચ વરસાદ પડી જતા શહેરની વચ્ચેથી પસાર થતાં આબુ હાઇવે ઉપર ત્રણ જગ્યાએ ભારે પાણી ભરાઈ જતા હાઈવે ઉપર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.
વહેલી સવારે 4:00થી 6:00 વાગ્યામાં પાલનપુરમાં ભારે વરસાદ પડતા નેશનલ હાઇવે ઉપર પાણી ભરાતા વાહન વ્યવહારએ અસર પહોંચી છે.
હાઈવે વિસ્તારની સોસાયટીઓમાં વસતા લોકોને પણ બહાર નીકળવાનું મુશ્કેલ બન્યું હતું.
હવામાન વિભાગની આગાહી મુજબ,આજે શનિવારે અઢી ઇંચથી ચાર ઇંચ સુધી વરસાદ પડવાની શકયતા છે.
પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અઢી ઇંચથી લઈ સાડા 4 ઇંચ સુધીનો ભારે વરસાદ પડી શકે છે.
બનાસકાંઠા જિલ્લામાં બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. ગતરોજ શુક્રવારે પણ વહેલી સવારે 4 થી 6 માં જિલ્લાભરમાં વરસાદ પડ્યો હતો. જેમાં લાખણીમાં બે કલાકમાં સવા ત્રણ ઇંચ વરસાદ અને પાલનપુરમાં પોણા ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો.
જ્યારે દાંતામાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો. તેમજ થરાદ, દાંતીવાડા, અમીરગઢ, ડીસા, દિયોદર, ભાભર અને સુઇગામમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો.
જ્યારે દાંતીવાડામાં બપોરે 2 થી 4 માં બે કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. ડીસામાં 4 થી 6 માં પોણા બે ઇંચ વરસાદ પડ્યો હતો.
જ્યારે આજે વરસાદ પડવાની આગાહી વચ્ચે કેટલાય વિસ્તારમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા.