રાજ્યમાં ઉપરા ઉપરી પેપર લીક થવાની ગંભીર ઘટનાઓ સામે આવતા તેની સામે વિરોધ શરૂ થતાં આખરે રાજ્ય સરકાર દ્વારા પેપર લીક કરનાર ઈસમો વિરુદ્ધ પગલાં ભરવા તખ્તો ગોઠવી દેવામાં આવ્યો છે.
વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાના સ્પર્ધકોના ભાવિ સાથે ચેડા કરનારા વિરુદ્ધ કડક કાયદો બનાવવા જઈ રહી છે. જેનું બિલ ગતરોજ વિધાનસભા ગૃહમાં રજૂ કરાયું છે. આ બિલને જાહેર પરીક્ષા અધિનિયમ બિલ નામ આપવામાં આવ્યું છે.
ગુજરાત જાહેર પરીક્ષા વિધયેક 2023 સરકાર લાવશે. બજેટ સત્રમાં રાજ્ય સરકાર આ વિધયેક પસાર કરાવશે. વિધેયકમાં ઓછામાં ઓછી 7 વર્ષ અને વધુમાં વધુ 10 વર્ષની સજાની જોગવાઈ કરાઈ છે. તો પેપરલીક કરનારને 1 કરોડ સુધીનો દંડ ફટકારવામાં આવશે.
દંડની રકમ ચુકવવામાં ચૂક થાય તો ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ પેપરલીક કરનારની સ્થાવર, જંગમ મિલકત જપ્ત કરવા સુધીના પગલાં ભરવામાં આવશે.