ગાંધીનગર: આગામી 21 જુલાઈએ વિપક્ષી કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલા તેમના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સમસંવેદના સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તેઓ પ્રજાજોગ સંદેશ આપશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
આ અંગે માહિતી આપતા શંકર સિંહ વાઘેલાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે જણાવ્યું હતું કે 21 જુલાઈના રોજ તેમના જન્મદિવસ નિમિત્તે તેઓ સમસંવેદના કાર્યક્રમ અંતર્ગત વિપક્ષી નેતા તરીકે પ્રજાના પ્રશ્નો અંગે મારી સંવેદના વ્યક્ત કરીશ. જેમાં, પક્ષના તમામ ધારાસભ્યો, એનસીપી અને જેડીયુના ધારાસભ્યો ખાસ હાજર રહેશે.
જો કે, આ સંમેલન શક્તિ પ્રદર્શન કે રાજકીય પ્રેરિત હશે તેવા પૂછેલા પ્રશ્નમાં બાપુએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં ગુજરાતની પ્રજાના હિતનો મુદ્દે મારા સંદેશામાં હશે.
આ ઉજવણી માટે એક ખાસ કમિટી પણ બનાવવામાં આવી છે. ત્યારે મહાત્મા મંદિર ખાતે 21 મીના રોજ બપોરે 1:30 કલાકે બાપુ સંદેશો પાઠવશે.
જો કે, 77 માં વર્ષમાં પ્રવેશ કરી રહેલા શંકરસિંહ વાઘેલા 21મી જુલાઈએ કઈ મોટી જાહેરાત કરશે તે હાલ યક્ષ પ્રશ્ન બની ગયો છે. આ અંગે અનેકવાર પૂછવામાં આવતા શંકરસિંહે પ્રશ્નનો જવાબ આપવાનું ટાળ્યું હતું.
આ પ્રસંગે જીએસટીના અમલીકરણ કરવા માટે વ્યાપારીઓને 1 વર્ષનો સમયગાળો વધારવા અને ત્યારબાદ તેનું અમલીકરણ કરવા અપીલ કરી હતી. તો બીજી તરફ વરસાદની સ્થિતિમાં ખેડૂતો માટે યુરિયા ખાતરમાં હાલ 317 રૂપિયા પ્રતી બેગ લેવાય છે. જે બીજા રાજ્ય કરતા 20 રૂપિયા વધુ છે. જેનો ભાવ ધટાડો કરવા ખાસ અપીલ રાજ્ય સરકારને કરી હતી.
ત્યારે હવે, પોતાના જન્મદિન નિમિત્તે બાપુ શું નવો ધડાકો કરે છે અને ગુજરાતના રાજકારણમાં શું નવો વળાંક આવે છે તે જોવાનું રહ્યું.