આર્મી વેલ્ફેર ફન્ડ માટે બારડોલીમાં શનિવારે યોજવામાં આવેલા લોકડાયરાને જાણીતા લોકકલાકાર કીર્તિદાન ગઢવીએ કેશલેસ ડાયરા તરીકે ઊજવ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશની જનતાને કેશલેસ વ્યવહાર કરવા માટે સમજાવી રહ્યા છે ત્યારે ડાયરામાં રોકડ રકમની ઉછામણી થાય અને ખોટો મેસેજ પાસ થાય એના કરતાં લોકોમાં સમજદારી આવે અને લોકો કેશલેસ વહીવટને અપનાવે એવા હેતુથી કીર્તિદાન ગઢવીએ આ ડાયરામાં ઉછામણી કરવાની પહેલેથી જ ના પાડી હતી અને એ પછી જે કોઈને દાન આપવાનું મન થતું હોય તેઓ ઘરેથી ચેક લઈને આવે એવું સૂચન કર્યું હતું. કીર્તિદાન ગઢવીએ કહ્યું હતું કે ‘ લોકડાયરાની સાચી મજા ઉછામણીની જ હોય છે , પણ મજા માટે દેશને ખોટો માર્ગ ચીંધવો યોગ્ય નથી એવું લાગતાં આ સૂચન કર્યું જેને બહુ સારો પ્રતિસાદ મળ્યો. કેટલાક લોકો એવા હતા કે આ સૂચન પછી કેશ લઈને આવ્યા હતા. તેમને ચાલુ ડાયરાએ જ વિનંતી કરી હતી કે ઉછામણી ન કરો , કેશ ઘરે પાછી લઈ જાઓ. આવતી કાલે પણ જો મન થાય તો ચેક મોકલજો. ‘
બારડોલીના આ કાર્યક્રમમાં સાડાપંદર લાખ રૂપિયાના ચેક જમા થયા અને આ લોકડાયરો દેશનો પહેલો કેશલેશ ડાયરો બન્યો. આ ડાયરો બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમાર દ્વારા રાખવામાં આવ્યો હતો. કેશલેસ ડાયરાનો કન્સેપ્ટ જયારે કીર્તિદાન ગઢવીએ આપ્યો ત્યારે ઈશ્વરભાઈને પણ હતું કે કદાચ નબળો પ્રતિસાદ મળશે , પણ આ હૂંફાળા પ્રતિસાદને જોઈને તેઓ પણ ખુશ થયા અને તેમણે ગુજરાતમાં વધુ કેશલેસ ડાયરા કરવાનું જાહેર કર્યું હતું જેથી લોકોમાં આ પ્રકારના ભાતીગળ કાર્યક્રમ દરમ્યાન કેશલેસ થવાનું શીખવા મળે અને સમજણ પણ આવે.
આ કાર્યક્રમમાં કીર્તિદાન ગઢવી સાથે લોકગાયિકા ઉર્વશી રાદડિયા સાથી કલાકાર તરીકે જોડાઈ હતી.