મધ્ય ગુજરાતના બોરસદ પંથકમાં એકધારો 12 ઈંચ જેટલો વરસાદ પડતાં સર્જાયેલી પુર સ્થિતિ વચ્ચે પૂરગ્રસ્ત પીડિતોને ખાદ્ય સામગ્રી આપવા ગયેલો 25 વર્ષીય યુવાન ડૂબી જતાં એનડીઆરએફ બટાલિયન 6ના જવાનોની બચાવ ટુકડી બોરસદ તાલુકાના સિસ્વા ગામે સ્થાનિક પ્રશાસન અને લોકોની સાથે એક ડૂબી ગયેલી વ્યક્તિની શોધમાં જોડાઈ હતી અને 8 કલાકની શોધખોળ બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
ગામલોકોને ખાદ્ય સામગ્રીનું વિતરણ કરી પાછો ફરી રહેલો કિશન રાવજીભાઈ સોલંકી (25)નો પગ લપસતા તે વરસાદી પાણીથી છલકાતા નાળામાં તણાઈ જતા વડોદરા એનડીઆરએફની ટુકડી સ્થળ ઉપર પહોંચી હતી અને ભારે શોધખોળ બાદ શનિવારે સાંજે 6:50 વાગ્યાની આસપાસ યુવકનો મૃતદેહ ટુકડી દ્વારા શોધી કાઢવામાં આવ્યો હતો.
આ વિસ્તારમાં ભારે વરસાદ થતાં ભાદરણ, સીસવા સહિત અનેક ગામો પ્રભાવિત બન્યા હતા અને અનેક પશુઓના મોત થયા છે આ હોનારતમાં કંસારી અને સીસવામાં એક-એક એમ બે વ્યક્તિઓના પાણીમાં ડૂબી જતાં મોત થઈ ગયા છે.
મૃતકના પરિવાર અને ગામમાં શોકનું વાતાવરણ છવાયું છે. મદદ કરવા જતા મોત મળતા લોકોમાં અરેરાટી ફેલાઈ છે. જોકે, સવારે આણંદ સાંસદ મિતેષભાઈ પટેલ અને મામલતદાર ટીમે મૃતકના પરિવારજનોની ઘરે જઈ તેના સાંત્વના પાઠવી હતી અને યોગ્ય સરકારી મદદ માટે રજૂઆત કરશે તેમ જણાવ્યું હતું.