2024 લોકસભાની ચૂંટણી માટે ભાજપે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે, 2024માં પ્રચંડ બહુમતિથી જીત માટે ભાજપે વિશેષ તૈયારીઓ કરી છે. જેમાં દેશમાં લોકસભાની 126 સીટ પર ભાજપનું વિશેષ ફોકસ છે તેવે સમયે બ્રિટનના જાણીતા અખબાર ધ ઈકોનોમિસ્ટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા ગણાવી ભારતમાં મોદીજી ત્રીજી વાર લોકસભા ચૂંટણી જીતી જશે તેવી ભાર પૂર્વક ભવિષ્યવાણી કરી છે.
ખાસ કરીને ભૂ-રાજકીય પત્રકારત્વ માટે જાણીતા ધ ઈકોનોમિસ્ટ અખબારે લખ્યું છે કે ભારતનું રાજકારણ નરેન્દ્ર મોદીની આસપાસ ફરે છે.
ધ ઈકોનોમિસ્ટે લખ્યું છે કે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાના કારણે વૈશ્વિક રાજકારણમાં તેમનો પ્રવેશ વૈશ્વિક રાજકારણમાં મોટો વિકાસ દર્શાવે છે. છેલ્લા 9 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ 2 લોકસભા ચૂંટણી અને એક ડઝનથી વધુ રાજ્યોની ચૂંટણી જીતી છે.
નરેન્દ્ર મોદીનું એપ્રુવલ રેટિંગ 77 ટકાથી વધુ છે, અને તેઓ તેમના પક્ષ કરતા તેઓ પોતે બમણું એપ્રુવલ રેટિંગ ધરાવે છે, જેથી તેમને વિશ્વના સૌથી લોકપ્રિય ચૂંટાયેલા નેતા માનવામાં આવે છે.
મહત્વનું છે કે અગાઉ આ અંગે કેન્દ્રના ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ પણ ભવિષ્યવાણી કરી ચૂક્યા છે કે ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં ફરી એકવાર ભાજપ સત્તા ઉપર આવશે. તેઓએ કહ્યું, ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં રાષ્ટ્રીય સ્તરે ભાજપ ૩૦૦થી વધુ સીટો સાથે સંપૂર્ણ બહુમતિ પ્રાપ્ત કરશે, અને મોદીજી ત્રીજીવાર વડાપ્રધાન બનશે.