ગુજરાતમાં દારૂબંધી માત્ર દેખાવ પૂરતી છે અને તેને કારણે કરોડો રૂપિયાની દાણચોરી થઈ રહી છે અને પોલીસના હપ્તાનું સેટિંગ એ નવી વાત રહી નથી પણ એથીય મોટી ચોંકાવનારી માહિતી સામે આવી છે જેમાં ભરૂચ LCBના 2 કોન્સ્ટેબલોના બુટલેગરો પાસેથી રૂપિયા લઈને પોલીસની જ જાસૂસી કરતા હોવાની વાત સામે આવી છે મતલબ સાફ છે કે પગાર સરકારી ખાવાનો અને બે બુટલેગરો માટે પણ કામ કરી પૈસા કમાવાનો ધંધો ખૂલ્લો પડ્યો છે.
જોકે,બુટલેગરો માટે દલાલી કરનારા બન્ને પોલીસ કોન્સ્ટેબલો મળી કુલ 4ની સામે ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ખુદ પીઆઈ એ ફરિયાદ નોંધાવવી પડી છે.
જે રીતે ચોંકાવનારી વિગતો સામે આવી છે તે પ્રકારે ભરૂચ LCBમાં વર્ષોથી ટેક્નિકલ સર્વેલન્સમાં ફરજ બજાવનાર બે પોલીસવાળા મયુર ખુમાણ અને અશોક સોલંકીએ પોલીસનું લોકેશન જ બુટલેગરોને વેચવાનું શરૂ કરી પૈસા કમાવાનો ધંધો શરૂ કરી દીધો હતો જેના કારણે પોલીસની ગતિવિધિની ગંધ અગાઉ થીજ બુટલેગરોને આવી જતી હતી પરિણામે બુટલેગરોને મજા પડી ગઇ હતી અને પૈસા આપીને પોલીસવાળા ખરીદી લઇ બિન્દાસ ધંધો કરતા હતા.
જોકે,બીજી તરફ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની બુટલગરો ઉપર પાડવામાં આવી રેઇડ વારંવાર નિષ્ફળ જતા SP નિર્લિપ્ત રાયને શંકા જતા તેઓએ DYSP કે ટી કામરીયા સાથે તપાસ કરાવતા ભરૂચ LCBના ટેક્નિકલ સર્વેલન્સમાં ફરજ બજાવતા બે કોન્સ્ટેબલ મયુર ખુમાણ અને અશોક સોલંકીની પોલીસના જ લોકેશનો બુટલેગરોને પોહચાડતા હોવાની વાત સામે આવતા SMCએ આ અંગેનો પ્રાથમિક રિપોર્ટ તત્કાલીન DGP આશિષ ભાટિયાને કરતા ભરૂચ જિલ્લા પોલીસ વડા ડૉ લીના પાટીલે તાત્કાલિક એક્શન લઈ જવાબદાર આ બંને પોલીસ કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરી દીધા હતા અને ભરૂચ SP એ તપાસ અંકલેશ્વર DYSP ચિરાગ દેસાઈને તપાસ સોંપતા તે અંગેની સઘન તપાસ બાદ આખરે વાતમાં દમ જણાતા બી ડિવિઝનમાં SOG પીઆઈ આનંદ ચૌધરીએ બન્ને કોન્સ્ટેબલ અને બુટલેગરો સામે ફરિયાદ નોંધાવતા બંને સસ્પેન્ડ પોલીસકર્મીઓ અને બે બૂટલેગરો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસમાં જ રહી પોલીસની જાસૂસી બુટલેગરો માટે કરતા બન્ને કોન્સ્ટેબલ, બુટલેગર નયન ઉર્ફે બોબડો કાયસ્થ તેમજ પરેશ ચૌહાણ ઉર્ફે ચકા સામે એક વર્ષથી લઈ આજીવન કેદ સુધીની જોગવાઈની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે. જેમાં IPC 409 આજીવન કેદ. સરકારી કર્મચારી દ્વારા ગુનાહિત વિશ્વાસઘાત, 116 ગુનો કરવામાં મદદગારી, સરકારી કર્મચારીને લાંચ આપી સરકારી અધિકારીઓ સામે જ ગુનાહિત કામગીરી, કલમ 119 પબ્લિક સર્વન્ટ તરીકે મદદગારી, ફરજ અને માહિતીનો દુરુપયોગ, 201 પુરાવા નાશ કરવા, 166 (એ) સરકારી કર્મચારી તરીકે પોતાની ફરજ નહિ નિભાવી ગુનાહિત કામગીરી. 120 (બી) ગુનાહિત ષડયંત્ર, 114 મદદગારી, આઇટી એક્ટ તેમજ ભ્રષ્ટાચારની કલમો 13(1) (ક) અને 13 (2) પ્રજાના સેવકે લાંચ લઈ બજાવેલી ફરજમાં 7 વર્ષ સુધીની સજા થઈ શકે છે.
મહત્વનું છે કે આ કલમો એ પ્રકારની છે જેમાં આરોપીઓને સ્પેશ્યલ કોર્ટમાંથી જ જામીન મળી શકે તેમ છે.
આમ,ગુજરાતમાં દારૂ ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે જેમાં પોલીસ જ બુટલેગરોને છાવરી રહયા હોવાની વાત ખુલ્લી પડી ગઈ છે.
ગુજરાતમાં લીકર માફિયાઓ પૈસાના જોરે બિન્દાસ ધંધો કરી રહયા છે અને દારૂબંધી નો અમલ કરાવવો લગભગ અશક્ય જણાઈ રહ્યો હોવાનું ચિત્ર સપાટી ઉપર આવી રહ્યું છે કારણકે ગુજરાતમાં દરેક જગ્યાએ દેશી-વિદેશી દારૂ જોઈએ તેટલો મળે છે અને પકડાય પણ છે જે વાસ્તવિકતા સ્વીકારવી જ રહી.