ગુજરાતમાં રાતોરાત મંત્રીઓની ખુરશી-સત્તા જતી રહી, ત્યારે હવે તેમને સામાન્ય ધારાસભ્યની જેમ રહેવું પડે તેવો ઘાટ ઘડાયો છે. અગાઉ વર્ષો સુધી સરકારી બંગલામાં જાહોજલાલી ભોગવનારા તમામ પૂર્વ મંત્રીઓને સામાન્ય ધારાસભ્યની જેમ ફ્લેટ ફાળવવામાં આવ્યો છે. અગાઉ સરકારી બંગલામાં નોકર-ચાકર સહિતની સુવિધા મેળવનાર હવે ખાસમાંથી આમ થઈ ગયા છે. પૂર્વ મંત્રીઓને 3 BHK ફ્લેટ ફાળવવામાં આવ્યા છે.
મંત્રી બનતા ધારાસભ્યોને વૈભવી સરકારી બંગલો મળ્યો હતો
કહેવાય છે કે સમયનું ચક્ર ફરે ત્યારે રાજાને રંક અને રંકને રાજા બનાવી દે છે. તેવા જ હાલ હવે ગુજરાત સરકારના 2017માં મંત્રી બનેલા પૂર્વ મંત્રીઓનો થયો છે. કેન્દ્રના નેતૃત્વએ રાતો રાત રૂપાણી સરકારના મંત્રીઓના મંત્રી પદ લઈ લીધા. જેઓ જ્યારે મંત્રી બન્યા ત્યારે તેમને ઓફિસ PA અને PS સાથે સરકારી વૈભવી બંગલો મળ્યો. પણ હવે તેઓ સામાન્ય ધારાસભ્ય રહી ગયા છે.
અન્ય ધારાસભ્યોની જેમ પૂર્વ મંત્રીઓને ફ્લેટની ફાળવણી
મંત્રીઓની શપથ વિધિ પતિ ત્યારે જ જૂના મંત્રીઓની ઓફિસો ખાલી થવા મંડી હતી. એટલેથી વાત અટકે તે પહેલાં જ્યારે નવા મંત્રીઓ ચાર્જ લેવા આવ્યા ત્યારે તેમના બંગલા માટે કામ ચાલું થઈ ગયું હતું. તેમને બંગલા ફાળવવામાં અવતાની સાથે જ જુના મંત્રીઓને સામાન્ય ફ્લેટ મળ્યો છે. જુના મંત્રીઓ જે લાંબા સમયથી બંગલામાં હતા, એમના મકાન ખાલી કરવામાં આવ્યા અને હવે અન્ય ધારાસભ્યોની જેમ ફ્લેટ મેળવ્યો છે.