શનિવારે ગાંધીનગર ખાતે ગુજરાત લઘુમતિ નાણા અને વિકાસ નિગમ દ્વારા ચેક વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી,ગુજરાત લઘુમતિ નાણા અને વિકાસ નિગમના ચેરમેન શુફી મહેબુબઅલી હાજર રહ્યાં હતાં. આ પ્રસંગે મુખ્તાર અબ્બાસે જણાવ્યું હતું કે, અમે છેવાડાના માનવીને આગળ લાવવામાં માનીએ છીએ. જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ મુસ્લિમોનો ઉપયોગ માત્ર વોટબેંક તરીકે કર્યો છે. મુસ્લિમોનો સૌથી વધુ વિકાસ ગુજરાતમાં થયો છે અને તેઓ ગુજરાતમાં સૌથી વધુ સુરક્ષિત છે.
રાજ્ય સરકાર હસ્તકના ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ દ્વારા અલ્પસંખ્યક તથા વિકલાંગ સમુદાયના લાભાર્થીઓને રોજગારી વ્યવસાય માટે તથા શૈક્ષણિક હેતુસર ધિરાણના ચેક વિતરણનો સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં અલ્પસંખ્યક અને દિવ્યાંગ વર્ગના આશરે 600 લાભાર્થીઓને રૂ.6 કરોડ સુધીની ધિરાણ સહાય ચુકવવામાં આવી હતી. ગુજરાતમાં લઘુમતિઓ સૌથી વધુ સુરક્ષિત-સમૃધ્ધ છે. ગુજરાતમાંથી સૌથી વધુ મુસ્લિમો હજ પઢવા નિશ્ચિંત થઇ પરિવારની સલામતિના વિશ્વાસ સાથે જાય છે. આ સરકાર સાડા ૬ કરોડ ગુજરાતીઓના વિકાસને-વંચિત-ગરીબ-પીડિત-શોષિતના કલ્યાણને વરેલી સરકાર છે.