વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડ્રીમ ‘સૌની યોજના’ માટે કેન્દ્ર સરકારે ફંડ આપવાની ના પાડી દીધી. કેન્દ્રએ પ્રોજેક્ટની ફિઝિબિલિટી અંગે શંકા વ્યક્ત કરતાં ફંડ આપવાનો ઇન્કાર કરતાં રાજ્ય સરકાર જ તમામ ખર્ચ ઉપાડશે. રાજ્ય સરકારે કેન્દ્ર પાસે ૬૩૯૯ કરોડના ફંડની માંગણી કરી હતી. તેની સામે સેન્ટ્રલ વોટર કમિશન દ્વારા આ પ્રોજેક્ટ અંગે નેગેટિવ રિપોર્ટ કરવામાં આવ્યો છે. ગયા એપ્રિલ માસમાં જ ૧૭ તારીખે બોટાદ ખાતે ફેઝ-૧ની લિંક-૨ને વડાપ્રધાન મોદીએ ગુજરાતને સમર્પિત કરી હતી. તેમજ ફેઝ-૨ની લિંક-૨નું ખાતમુહૂર્ત પણ કર્યું હતું.
સૌની યોજનાને સૌરાષ્ટ્ર-કચ્છની જીવાદારી સમાન છે. મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે આ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજાના અંતર્ગત સૌરાષ્ટ્રના ૧૧૫ જેટલા ડેમ-તળાવને નર્મદાના વધારાના પાણીથી ભરી દેવામાં આવશે. જેથી કરીને આ વિસ્તારની પાણીની અછત ઓછી થાય અને લોકોને ખેતી-પિવાનું પાણી મળી રહે. વડાપ્રધાન મોદીએ ૩૦ ઓગસ્ટ ૨૦૧૬ના રોજ રાજકોટ ખાતે આ યોજનાના પહેલા ફેઝનું ઉદ્ધાટન કર્યું હતું. જ્યારે તાજેતરમાં એપ્રિલ માસમાં જ ૧૭ તારીખે બોટાદ ખાતે ફેઝ-૧ની લિંક-૨ને વડાપ્રધાન મોદીએ ગુજરાતને સમર્પિત કરી હતી. તેમજ ફેઝ-૨ની લિંક-૨નું ખાતમુહૂર્ત પણ કર્યું હતું.
એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, આ યોજાના પાછળ આશરે ૧૦,૦૦૦ કરોડ રૃપિયા ખર્ચ થવાનો હોય રાજ્ય સરકારે કેન્દ્રની એસ્કિલેટરેડ ઇરિગેશન બેનિફિટ પ્રોગ્રામ્સ (AIPB) યોજના અંતર્ગત રૃ. ૬,૩૯૯ કરોડના સહાયક ફંડની માગણી કરી હતી. જોકે, ગુજરાત સરકારે હવે આ પ્રોજેક્ટની એસ્ટિમેટ કોસ્ટમાં વધારો કરીને રૃ.૧૮,૦૦૦ કરોડ ધારી છે. ત્યારે રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકારની ટેક્નિકલ ઓથોરિટી ઓફ સેન્ટ્રલ વોટર કમિશન(CWC) દ્વારા આ પ્રોજેક્ટની ફિઝિબિલિટી અંગે નેગેટિવ રિપોર્ટ કરવામાં આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ‘ગુજરાત સરકાર દ્વારા કેન્દ્રને સોંપવામાં આવેલ ડીટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ(DPR)માં પ્રોજેક્ટની ફિઝિબિલિટી અંગે ટેક્નિકલ ડિટેઇલ પૂરતી ન હોવાથી આ પ્રપોઝલને રીજેક્ટ કરવામાં આવી છે.’