ગુજરાતમાં એસટી વિભાગને અદ્યતન બનાવવામાં આવ્યો છે અને નવા આધુનિક બસ સ્ટેશન તેમજ નવી નક્કોર બસ મુકવામાં આવી છે ત્યારે હવે મુસાફરી કરવા માટે વધુ પૈસા ચૂકવવા પડશે. લોકલ, એક્સપ્રેસ અને નોન એસી સ્લીપર બસના ભાડામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં લોકલમાં 16 પૈસા, એક્સપ્રેસમાં 17 પૈસા અને નોન એસી સ્લીપરમાં 15 પૈસા પ્રતિ કિલોમીટર ભાવ વધારો કરાયો છે.
એસટી બસના ભાડામાં વધારો કરાતા લાખો મુસાફરોએ રૂપિયા 1થી 6 રૂપિયા સુધીનો વધારો ચૂકવવો પડશે. નવો ભાવ વધારાનો અમલ આજ મધરાતથી લાગુ થશે.
સરકારે પરિપત્ર જાહેર કરીને કહ્યું છે કે, વર્ષ 2014 બાદ વિવિધ કારણોસર નિગમનું આર્થિક ભારણ ખુબ જ વધ્યું છે જેથી રાજ્યમાં બસની ટિકિટના ભાવમાં વધારો કરાયો છે. એસટી નિગમે નવા ભાડાના દરો પણ જાહેર કર્યાં છે.
જેમા એસટીના ભાડામાં પ્રતિ કિ.મી 25 ટકાનો વધારો કરાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત એસ.ટી નિગમે નાગરિક મુસાફરોની સુવિધામાં સતત વૃદ્ધિના અભિગમ સાથે રૂપિયા ૩૧૦ કરોડની નાણાકીય જોગવાઈ સાથે એક હજાર નવી બસ સંચાલનમાં મૂકવા કાર્ય આયોજન કર્યું છે.
આ ૧૦૦૦ બસમાંથી ૫૦૦ સુપર એક્સપ્રેસ, ૩૦૦ લક્ઝરી અને ૨૦૦ સ્લીપર કોચ ક્રમશઃ મુસાફરોની સેવામાં મૂકવામાં આવી રહી છે.
ગુજરાત એસટી ૨૭૪ સ્લીપર કોચ, ૧૧૯૩ સેમી લક્ઝરી અને ૫૨૯૬ સુપર ડિલક્સ સુપર અને ૧૨૦૩ મીની બસ સહીત ૭૯૬૬ ના કાફલા સાથે રાજ્યની જનતા જનાર્દનની પરિવહન સુવિધા માટે કર્તવ્યરત છે.