રાજ્યમાં હજુ સત્તાવાર રીતે ચોમાસુ બેઠુ નથી ત્યારે તે પહેલાં કમોસમી વરસાદને કારણે નુકશાન થયું છે ગઈકાલે રવિવારે રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડયાના અહેવાલ છે.
દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર સર્જાયેલી સિસ્ટમના કારણે વાતાવરણમાં પલટો આવતા ગતરોજ રવિવારે રાજ્યના 131 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
આ બધા વચ્ચે રાજ્યમાં આગામી પાંચ દિવસમાં શુક્રવાર સુધી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત થઈ છે.
ગઈકાલે ખેડા, મહિસાગર, ભરૂચ, અરવલ્લી, આણંદ, પંચમહાલ તથા પાટણ જિલ્લામાં 30થી 50 મીમી સુધી વરસાદ નોંધાયો હતો. અમદાવાદમાં વહેલી સવારે ભારે પવન સાથે ભારે વરસાદ થયો હતો.
આણંદ જિલ્લામાં સવારે 63 કિ.મી.ની ઝડપે વાવાઝોડું ફૂંકાતા 158 થી વધુ સોલાર પેનલો ઊડી ગઈ હતી. 360થી વધુ વૃક્ષો અને 300 વીજ પોલ ધરાશાયી થયા હતા.
જાફરાબાદના દરિયામાં હળવો કરંટ ,ટંકારામાં વીજળી પડતાં એક મોત
અમરેલી જાફરાબાદ અને શિયાળબેટ પંથકમાં હાઇટાઇડની સ્થિતી વચ્ચે ચાલુ સાલે પ્રથમ વખત સમુદ્રમાં આ પ્રકારનો હળવો કરંટ જોવા મળ્યો છે. ટંકારામા વીજળી ત્રાટકવાથી ખેત મજૂરનું મોત થયું હતું.વડોદરામાં 60 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતા 67 જગ્યાએ વૃક્ષ તૂટી પડવાના બનાવ બન્યા હતાં.