રાજ્યમાં આજે કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થશે બાકી મોટાભાગના વિસ્તારોમાં વિરામ લેશે અને હવે આગામી 15મીથી ફરી વરસાદ પડવાની આગાહી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 22 જિલ્લાના 104 તાલુકામાં જ વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ ભાવનગરના શિહોરમાં 5 ઈંચ વરસાદ પડ્યો છે.
સુરતના ઉમરપાડામાં 4 ઈંચ, વાલોડ, ઉમરેલા અને કપરાડામાં 3.5 ઈંચ વરસાદ પડ્યો છે બાકીના વિસ્તારમાં સામાન્ય વરસાદ નોંધાયો છે.
અત્યાર સુધીમાં ગુજરાતમાં સરેરાશ 47.63 ટકા વરસાદ પડી ચુક્યો છે. કચ્છમાં સૌથી વધુ સરેરાશ 112 ટકા વરસાદ પડી ચુક્યો છે.
જ્યારે સૌરાષ્ટ્રમાં સરેરાશ 65 ટકા, ઉત્તર ગુજરાતમાં 50 ટકા વરસાદ, મધ્ય ગુજરાતમાં 34, દક્ષિણમાં 36 ટકા વરસાદ નોંધાયો છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તા. 15 જુલાઈથી તા. 20 જુલાઈ અને તા.24થી તા.28મી સુધી રાજ્યભરમાં એકધારો વરસાદ પડવાની આગાહી કરી છે.
અંબાલાલ પટેલે કહ્યું કે, બંગાળ ઉપસાગરમાં 20 જુલાઈએ બનતી સિસ્ટમ મજબૂત હશે, જેના કારણે દેશ સહિત રાજ્યમાં ભારે વરસાદ લાવશે. આગામી તા.24 થી 28 જુલાઈ દરમિયાન ફરી એકવાર ધોધમાર વરસાદ રહેશે. ઓગસ્ટમાં પણ લો પ્રેશર બનવાને કારણે રાજ્યભરમાં વરસાદ રહેવાની આગાહી કરી છે.