રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવા પામ્યો છે અને હળવો વરસાદ પડવાનું શરૂ રહ્યું છે રાજ્યના તળાવો,ડેમમાં નવા નીર આવ્યા છે.
ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદની શક્યતા છે.
આ બધા વચ્ચે સુરેન્દ્રનગરના ચુડા અને લીંબડી વિસ્તારના લોકો માટે જીવાદોરી સમાન વાંસલ ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં પડેલા વરસાદથી ડેમમાં પાણીની આવક હજુપણ શરૂ છે.
ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને તંત્રએ સતર્ક રહેવાની સૂચના આપી છે.
લીંબડી અને ચુડા વિસ્તારના લોકોમાં ડેમ ઓવરફ્લો થતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
જુનાગઢ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી વરસાદ પડી રહ્યો છે ત્યારે માંગરોળ અને કેશોદમાં વરસાદ પડતાં પાણીની રેલમછેલ જોવા મળી હતી.
અમરેલી જિલ્લામાં ભારે વરસાદ બાદ વિવિધ જળાશયોમાં નવા નીરની આવક થઇ છે.
જિલ્લાના 3 જળાશયો તો વરસાદના કારણે છલોછલ ભરાઇ ગયા છે. રાજુલાના ધાતરવાડી ડેમમાં 3 હજાર ક્યુસેક પાણીની આવક થઇ છે.જેથી ડેમના 3 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે.ગત રોજ પાણીની આવક વધુ થઇ જતા 8 દરવાજા ખોલી દેવાયા હતા. ધાતરવાડી 1 અને 2 ડેમમાં પાણીની સારી આવક થઇ છે.ત્યારે સાવરકુંડલાનો શેલદેદુમલ ડેમ પણ ઉભરાયો છે.
ડેમ અને નદીના આસપાસના વિસ્તારમાં આવેલા ગામડાંઓને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે
18 જુલાઇ બાદ રાજ્યમાં વરસાદી જોર વધશે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. અમદવાદમાં છૂટોછવાયો વરસાદ રહે એવી શક્યતા છે.
દક્ષિણ UP તરફના સર્ક્યુલેશનને કારણે વરસાદી માહોલ રહેશે. મહત્ત્વનુ છે કે રાજ્યમાં સીઝનનો 60 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.