રાજ્યમાં અનેક સ્થળે વરસાદ પડવાનું ચાલુ છે અને હજુ બે દિવસ શનિ અને રવિવાર સુધી કમોસમી વરસાદનું વાતાવરણ રહેશે તેમ હવામાન વિભાગનું કહેવું છે.
દરમિયાન ખેતીમાં નુકશાન થતાં ખેડૂતો માટે વિશેષ સહાય પેકેજની સરકારે જાહેરાત કરવામાં આવી છે.
48 તાલુકાઓ માટે સરકારે સહાય પેકજ જાહેરાત કરી
રાજ્ય સરકારે 48 તાલુકા માટે સહાય પેકેજની જાહેરાત કરી છે.
રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને કારણે પાકમાં થયેલા નુકસાન સંદર્ભે સરકાર દ્વારા વિશેષ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.
જેમાં માર્ચ-2023માં થયેલા કમોસમી વરસાદના કારણે થયેલા પાક નુકસાન અન્વયે SDRF ધોરણો ઉપરાંત ખાસ કિસ્સામાં ટોપ-અપ સહાય અપાશે. આ ખેતી અને વર્ષાયુ બાગાયતી પાકો માટે મળવાપાત્ર રૂ.13,500 ઉપરાંત વધારાની રૂ.9,500 સહાય સાથે કુલ રૂ.23,000 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.
બહુવર્ષાયુ બાગાયતી પાકો માટે મળવાપાત્ર રૂ.18,000 ઉપરાંત વધારાની રૂ.12,600 સહાય સાથે કુલ રૂ.30,600 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના ધરતીપુત્રોના હિતમાં રાજ્ય સરકારે વધુ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. માર્ચ મહિના દરમિયાન થયેલા કમોસમી વરસાદના કારણે રાજ્યના અનેક ખેડૂતોના પાકમાં નુકસાન જોવા મળ્યું હતું. રાજ્ય સરકારે આ બાબતને ગંભીરતાથી ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે જિલ્લાવાર સર્વેની કામગીરી પૂર્ણ કરી છે અને ખેડૂતો માટે અત્યારસુધીની સૌથી વધુ સહાય આપતું વિશેષ પેકેજ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.