અમદાવાદ: શહેરમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિને ડામી દેવા શહેર પોલીસ કમિશનરની અપાયેલી સૂચનાને પગલે દાણીલીમડા પોલીસે રિવરફ્રન્ટ નજીક એક કાચા છાપરામાં ચાલતા જુગારધામ પર ગંજીપા પાનાનો જુગાર રમતાં ૩૦ લોકોની ધરપકડ કરી છે. પોલીસે રોકડા રૂ.૭૫,૨૦૦, બે ગાડીઓ અને ચાર ટુ વ્હીલર મળી રૂ.૩.૪૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથ ધરી છે.
ડિવિઝન એસીપી તેમજ દાણીલીમડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. આર.એમ. વસાવાને બાતમી મળી હતી કે સાબરમતી નદીના સપ્તર્ષિના આરે આવેલા રિવરફ્રન્ટ પર રફિક આલમભાઇ પરમારના કાચા છાપરામાં કેટલાક લોકો મોડી રાત્રે જુગાર રમે છે. જેના આધારે મોડી રાત્રે ૧.૩૦ વાગ્યે દાણીલીમડા પોલીસે રિવરફ્રન્ટ પર દરોડો પાડ્યો હતો.
પોલીસે જુગાર રમતાં શખસો પર દરોડો પાડતાં દોડધામ મચી ગઇ હતી. જુગારિયા નાસવા લાગ્યા હતા. પોલીસે તમામ આરોપીને ઝડપી લીધા હતા. આરોપી અહેમદ હુસૈન શેખ (રહે.નાૈશાદ પાર્ક, જુહાપુરા) સહિત ૩૦ લોકોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ.૭૫,૨૦૦, બે ગાડીઓ અને ચાર ટુ વ્હીલર સહિત રૂ.૩.૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીઓ મોડી રાત્રે રિવરફ્રન્ટ પર ખુલ્લા છાપરામાં જુગાર રમતા હતા.