ગુજરાત રાજયમાં એન્ટિ કરપ્શન બ્યુરોએ છેલ્લા આઠ મહિના દરમિયાન કુલ 94 કેસ કરીને 174 આરોપીઓને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા. નોધનીય બાબત એ છે કે, આ આઠ મહિનામાં એસીબીએ કુલ 9 સરકારી અધિકારીઓ પાસેથી ગેરકાયદેસર ભ્રષ્ટાચારી કરી એકત્ર કરેલી સ્થાવર અને જંગમ મિલ્કતો મળી કુલ રૂ. 56.20 કરોડની બેનામી મિલકતો જપ્ત કરી આવા અધિકારીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.
એસીબી દ્વારા રાજયભરમાં લાંચ લેનારા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. 2021ના છેલ્લા આઠ મહિનામાં કુલ 66 ટ્રેપ ગોઠવવામાં આવી હતી, જયારે 5 ડીકોય, 9 ડિસ્પ્રપોશનેટ એસેટ્સ અને અન્ય 14 મળી કુલ 94 કેસો દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં કુલ 174 આરોપીઓની સામે ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરવામાં આવી હતી.
9 સરકારી અધિકારીઓ કે જેમણે પોતાની નોકરીના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચારી કરી પરિવારના નામે ખરીદેલી સ્થાવર કે જંગમ મિલકત અને બેંકખાતામાં મૂકેલા પૈસા મળી કુલ 56.20 કરોડની બેનામી સંપત્તિ પકડી પાડવામાં આવી હતી.આ ઉપરાંત સરકારી કર્મચારીઓને લાંચ લેવામાં મદદગારી કરનારા 64 ખાનગી વ્યકિતઓને પણ એસીબીએ ઝડપી પાડયા હતા.
વિભાગ પ્રમાણે જોવામાં આવે તો ગૃહ વિભાગના 30, પંચાયતમાં 6, મહેસૂલમાં 11, આરોગ્ય અને પરિવાર કલ્યાણમાં 1, શિક્ષણમાં 3, ઉર્જા અને પેટ્રોકેમિકલમાં 3, ઉદ્યોગ અને ખાણમાં 2, કૃષિ અને સહકારમાં 19, શહેરી વિકાસમાં 9, બંદર અને વાહન વ્યવ્હારમાં 2, વન અને પર્યાવરણમાં 2, નાણાંમાં 7, અને કેન્દ્ર સરકારના 7 અધિકારીઓ કર્મચારીઓને લાંચ લેતા ઝડપાયા હતા.
2020માં 38 અધિકારી પાસેથી 50.11 કરોડની બેનામી સંપત્તિ મળી
ગત વર્ષ 2020માં રાજ્યના અલગ અલગ વિભાગના કુલ 38 અધિકારી-કર્મચારીઓની રૂ. 50 .11 કરોડ આવક કરતા વધુ સંપત્તિના રૂપમાં સામે આવ્યા હતા. 2020ષમાં ગુજરાત રાજ્ય લાંચ રુશ્વત વિરોધી બ્યૂરોની ટીમે કુલ 198 કેસ કરી 307ની ધરપકડ કરી હતી. આ સાથે સજાના પ્રમાણમાં 17 ટકાનો વધારો થયો છે. એસીબીની કામગીરી દરમિયાન જે લોકો પકડાયા છે તેમાં ક્લાસ વન ઓફિસર-7, ક્લાસ ટુ ઓફિસર-41, ક્લાસ થ્રી- 150 અને 97 ખાનગી વ્યક્તિનો સમાવેશ થાય છે. આવક કરતા વધુ સંપત્તિ શોધી કાઢવાની કપરી કામગીરી કરવામાં એસીબીની ટીમને કુલ 38 અધિકારી-કર્મચારી પાસેથી 50 કરોડથી વધુ રકમની આવક કરતા વધુ સંપત્તિ હાથ લાગી છે. જેમાં ક્લાસ વન ઓફિસર-3, ક્લાસ ટુ ઓફિસર-11, ક્લાસ થ્રી-24નો સમાવેશ થાય છે. આ ઉપરાંત લાંચના કુલ 198 ગુનામાંથી 174 કેસમાં એસીબી દ્વારા ચાર્જશીટ કરી દેવામાં આવી છે.
વર્ગ-3ના કર્મી સામે લાંચના કેસ વધુ
છેલ્લા આઠ મહિનામાં એસીબીએ વર્ગ-1ના 6, વર્ગ-2 ના 21, વર્ગ-3ના 77 અને વર્ગ-4ના 6 વ્યકિતઓ તથા 64 ખાનગી વ્યકિતઓ મળી કુલ 174 આરોપીઓ લાંચ લેતા ઝડપાયા હતા. અત્રે નોંધનીય છે કે વર્ગ-3 ના સૌથી વધુ 77 કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા છે, જે તમામ વર્ગ કરતા વધુ છે.