કૃષિ વિભાગે ચોમાસુ પરું થવાની તૈયારીમાં છે ત્યારે ઉત્પાદનના આંદાજો જાહેર કરીને ખેડૂતોને પડતા પર જોરથી પાટું મારી દીધું છે. તમામ પાકમાં લીલા દુષ્કાળ જેવી હાલત છે. 10થી 30 દિવસ સુધીના સતત વરસાદના કારણે અડધા ગુજરાતના ખેતરોમાં તૈયાર થયેલા પાક સુકાઈ ગયા છે. ત્યારે તેનું ઉત્પાદન થઈ જવાનું છે એવું ધારી લઈને કૃષિ વિભાગે અંદાજો જાહેર કરી દીધા છે. વધું પડતાં ઉત્પાદનના અંદાજોના કારણે ખેડૂતોને ભાવમાં વેપારીઓ કાપી નાંખશે. ખેડૂતોને પૂરતાં ભાવ નહીં મળે.
કૂલ વાવેતરના 50 ટકા મગફળી, કપાસનું વાવેતર
ગુજરાતમાં કુલ વાવેતર થાય છે તેમાં 50 ટકા જેવું કપાસ અને મગફળીનું વાવેતર થાય છે. આ વખતે આ બન્ને પાકમાં વરસાદથી ભારે મોટું નપકસાન થયું છે. ખેડૂત આગેવાનોના જણાવ્યા પ્રમાણે મગફળી અને કપાસમાં ધાર્યા કરતાં 50 ટકાથી નીચું ઉત્પાદન આવશે.
મગફળી ઉત્પાદનની ઊંચી ધારણા
કૃષિ વિભાગે ધારણા બાંધી છે કે, મગફળીનું વાવેતર 20.72 લાખ હેક્ટરનો અંદાજ છે. જેમાં 54.65 લાખ ટનનું ઉત્પાદન થશે. ખરેખર તો મગફળીમાં અત્યાર સુધીમાં 50 ટકા જેવું નુકસાન થઈ ચૂક્યું છે. હજું નુકસાન થઈ રહ્યું છે અને થવાનું છે. કારણ કે વરાપ નિકળતાં સૂર્યનો તાપ ખેતરોમાં પડવાનું બે દિવસથી શરૂં થયું છે. જે તાપના કારણે જમીનમાં ભરાઈ રહેલાં પાણી ગરમ થઈ રહ્યાં છે.
ગરમીના કારણે હવે ફૂગનું ભયંકર આક્રમણ શરૂં થવાનું છે. ત્યારે ફૂગ પાકનો વિનાશ વેરશે. આમ 50 ટકા કરતાં પણ નીચું ઉત્પાદન મગફળીમાં મળશે. 20થી 22 લાખ ટનથી ઉત્પાદન નહીં વધે એવું ખેડૂતોની ધારણા છે. તેઓ માની રહ્યાં છે કે ભલે સરકારે હેક્ટરે 2637.34 કિલોના ઉત્પાદનની ધારણા બાંધી લીધી હોય પણ ખેતરોમાં સ્થિતી જૂદી છે. આ અંદાજો ખેતરના નથી પણ એરકંડીશન્ડ કચેરીમાં બેસીને તૈયાર કરેલા હોય એવું લાગે છે.
કપાસ ઉત્પાદન ધાર્યું નહીં મળે
કપાસમાં પણ સરકારે વધું ઉત્પાદન બતાવવાની લાયમાં ખેડૂતોને ભાવફેરમાં વેપારીઓના હાથે કાપી નાંખ્યા છે. 22.81 લાખ હેક્ટરમાં વાવેતરની ધારણાની સાથે 82.39 લાખ ગાંસડી (એક ગાંસીડીનું વજન 170 કિલો)નું ઉત્પાદન થવાની ધારણા વ્યક્ત કરી છે. હેક્ટરે 613 કિલો જેવો કપાસ પાકશે. પણ આ અંદાજો સાચા નહીં પડે કારણ કે એક તો ખેડૂતોએ કપાસનું આ વખતે વાવેતર ઘટાડી દીધું છે.
અને બીજું, ખેતરોમાં હજું પણ કેટલાંક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે તેના કારણે કપાસ સુકાઈ ગયો છે. જે બચ્યો છે તેના વિકાસમાં ભારે મોટી અવળી અસર જોવા મળે છે. તેથી કપાસમાં સરકારે ધારેલું ઉત્પાદન નહીં મળે. સરકારે ટીકાથી અને વળતરના કાયદાથી બચવા માટે આવા ખોટા અંદાજો તૈયાર કરીને ખેડૂતોને સરકારે પાવડાથી ફટકો માર્યો છે. એદબાજુ કુદરતની મહેરબાની નથી ત્યાં હવે સરકારની ક્રૃરતા જોવા મળી રહી છે.
અનાજ અને કઠોળમાં સારી સ્થિતી નથી
આવું કઠોળ પાકમાં છે. અડદ, મગ જેવા પાક મળીને 4.35 લાખ હેક્ટરમાં 4 લાખ ટન ઉત્પાદનની ધારણા વ્યક્ત કરી છે પણ કઠોળને સૌથી વધું નુકસાન થયું છે. લગભગ 80 ટકા પાક સાફ થઈ ગયો છે. અનાજમાં 13.83 લાખ હેક્ટરના વાવેતરની ધારણા સાથે 29 લાખ ટન ઉત્પાદન અને 2100 કિલો ઉત્પાદકતાં બતાવી છે. પણ લીલા દુષ્કાળે અનાજ ખતમ કરી દીધું છે.