તાજેતરમાં રાજ્યમાં પેટા ચૂંટણી પૂર્ણ થઈ છે. જ્યારે હવે બીજેપી સરકાર નવેમ્બર મહિનાના પહેલી જ દિવસથી નવા ટ્રાફિકના કાયદાનો અમલ કરવાની છે. તેથી હવે જો તમે ટ્રાફિક નિયમોનો ભંગ કરશો તો તમને 400થી 900 ટકાનો જંગી દંડ ભરવો પડશે.
ઉલ્લેખનીય છે કે 1લી નવેમ્બરથી રાજ્યમાં નવા ટ્રાફિક નિયમો લાગૂ થશે. આ નવા નિયમો મુજબ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર પાસેથી દંડ પેટે જંગી રકમ વસૂલવામાં આવશે. જોકે એક તરફ સરકાર પૂરતી સવલત આપી શકતી નથી ત્યારે હવે ગુજરાતમાં આમ-આદમીના ખિસ્સા ખાલી થશે. બજારમાં હાલ ISI માર્કાના નામે તકલાદી હેલમેટ મળી રહ્યા છે. જ્યારે 5 લાખથી વધુ વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ લગાડવાની બાકી છે. આ સાથે લોકોની સવલત માટે સરકાર દ્વારા 1100 પીયુસી સેન્ટરો ખોલવાની ડંફાશો મારવામાં આવી હતી. પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ માંડ 100 નવા પીયૂસી સેન્ટર અત્યાર સુધી ખૂલી શક્યા છે.
વીમા ઉપરાંત વાહનોના દસ્તાવેજ સાથે રાખવા સંહિતના નામે આજથી ફરી લોકોના ખિસ્સા ખાલી થશે. જો પોલીસ આ કાયદાનો કડકાઈથી પાલન કરશે તો ઠેર ઠેર લોકો અને ટ્રાફિક પોલીસ વચ્ચે ફરી વાર ઘર્ષણના એંધાણ સર્જાશે. ખુદ નાગરિકો માંગણી કરી ચૂક્યા છે કે, દંડને બદલે ખુદ પોલીસે જ સ્થળ ઉપર વાહન ચાલકોના ખર્ચે જ હેલમેટ, પીયુસી સર્ટિફિકેટ, વાહનના દસ્તાવેજની એપ ડાઉનલોડ કરવાથી માંડી દસ્તાવેજ અપલોડ કરવા જેવી સગવડ પૂરી પાડવી જોઈએ.