સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે મે મહિનામાં ‘તૌક-તે’ વાવાઝોડા સાથે વરસાદ વરસવાનું ચાલુ થયા બાદ ખુબ સારૂ ચોમાસુ રહેવા સાથે મેઘમહેર થવાની આશા-આગાહીઓ થઈ હતી પરંતુ કોરાધાકોડ જેવા રહેલા અષાઢ મહિનાએ તેના પર પાણી ઢોળ કરી નાંખ્યું છે. શ્રાવણ મહિનો ચાલુ થઈ જવા છતાં એક સપ્તાહ બાદ હજુ પણ માત્ર 32.80% ટકા જ મેઘકૃપા વરસતા હવે ચિંતાનાં વાદળો ઘેરાવા લાગ્યા છે. તેમાંય 9 તાલુકામાં 20%થી ઓછો વરસાદ નોંધાયો છે. જેમાંથી બોટાદમાં સૌથી વધુ 43.50% વરસાદ જયારે સૌથી ઓછો સુરેન્દ્રનગરમાં માત્ર 25.92% વરસાદ નોંધાયો છે.
ખેડૂતો ચિંતાતુર બની વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે
રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ભીમ અગિયારસ દિવસે ખેડૂતોએ સારા વરસાદની આશા સાથે મુહૂર્ત કરી ખેતરમાં ચોમાસુ પાકનું વાવેતર કરી દીધું હતું પરંતુ આમ છતાં આજે શ્રાવણ માસની શરૂઆત બાદ પણ વરસાદ ન આવતા ખેડૂતો ચિંતાતુર બની વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.
રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદ સહિત સૌરાષ્ટ્રનાં 11 જિલ્લાઓમાં ગત વર્ષે ચોમાસા અત્યાર સુધીમાં અધધ 92% વરસાદ વરસી ચૂકયો હતો. જયારે ચાલુ ચોમાસે હજુ ફકત 33.80% મેઘમહેર જ થઈ છે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના એક પણ જિલ્લામાં 50% સુધી વરસાદનો આંકડો પહોંચ્યો નથી.
ખેડૂતોની હાલત કફોડી થઈ ચૂકી છે
રાજકોટ પંથકમાં ઘણા પાક માટે તો પાણીની ખૂબ જ તાતી જરૂરિયાત ઉભી થઇ ચૂકી છે. જોકે પિયતની સગવડ ધરાવતા ખેડૂતો વેચાતું પાણી લઈને પણ પોતાનો પાક બચાવવામાં પડી ગયા છે. પરંતુ, વરસાદ જ ખેડૂતો માટે આધાર છે તેવા ખેડૂતોની હાલત કફોડી થઈ ચૂકી છે અને તેઓ તો હાલ હવે વરસાદ પડે તેવી આજીજી કરી રહ્યા છે. ચાલુ ચોમાસે અત્યાર સુધીમાં સૌથી વધુ બોટાદ જિલ્લામાં સરેરાશ 43.50% વરસાદ વરસ્યો છે અને સૌથી ઓછો સુરેન્દ્રનગર જિલ્લામાં માત્ર 25.92% વરસાદ નોંધાયો છે. એમાં પણ પડધરી, વિંછીયા, દસાડા, ધ્રાંગધ્રા, લીંબડી, વઢવાણ, જામનગર, ગીરગઢડા, ઉના એમ નવ તાલુકામાં તો અત્યાર સુધીમાં 20% પણ મેઘકૃપા વરસી નથી.