નવસારી જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં રાજયના વિજીલન્સ કમિશનર એચ.કે.દાસના અધ્યક્સ્થાને તકેદારી આયોગના બાકી કેસોની સમીક્ષા બેઠક યોજાઇ હતી. બેઠકમાં જિલ્લા કલેકટર રવિ કુમાર અરોરા, પોલીસ વડા એમ.એસ.ભરાડા, નિવાસી અધિક કલેકટર કે.એસ.વસાવા, નાયબ વન સંરક્ષક નિશા રાજ, પ્રાંત અધિકારીઓ, ચીફ ઓફિસરો, તાલુકા વિકાસ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.
તકેદારી આયોગના બાકી કેસોની સમીક્ષા કરતા વિજીલન્સ કમિશનર દાસે જણાવ્યું હતું કે, જિલ્લાના તમામ અમલીકરણ અધિકારીઓએ વિકાસના કામો પ્રત્યે પુરતુ ધ્યાને આપીને થયેલા વિકાસકાર્યો સમયસર ઇન્સ્પેકશન કરી, નોંધ કરવી જોઇએ. તેમણે તકેદારી આયોગમાં પાંચ વર્ષથી વધુ સમયના કેસોનો એક માસમાં યોગ્ય તપાસ કરીને પુર્ણ કરવા સુચનાઓ આપી હતી. અને જે વ્યકિત જવાબદાર હોય તેની સામે શિક્ષાત્મક પગલાંઓ લેવા જોઇએ. લાંબા સમય સુધી તપાસ ચાલુ રાખવી હિતમાં નથી. અધિકારી-કર્મચારીઓને પણ જરૂરી તકેદારી આયોગના કેસો અંગે તાલીમ આપવી જોઇએ.
ગુજરાત તકેદારી આયોગની ભુમિકા અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા ભષ્ટ્રાચારયુકત કૃત્ય, ગેરરીતિઓ, સત્તાનો દૂર ઉપયોગ કરીને કામો કરવામાં આવે તો તેની સામે શિક્ષાત્મક પગલા લેવા આયોગ ભલામણ/સુચનો કરે છે. આયોગને અપાયેલી સત્તાઓ કામગીરીને ધ્યાને લઇ અરજદારોની મળેલી ફરિયાદો તેમજ વહીવટી વિભાગો તરફથી આયોગની ભલામણ મેળવી આપવા જે સંદર્ભં કેસો આયોગને રજૂ કરવામાં આવે તેવા કેસોમાં, આયોગ કસુરવાર જણાયેલા અધિકારીઓ, કર્મચારીઓ સામે યોગ્ય તે નિયમાનુસારની શિક્ષાત્મક કાર્યવાહી કરવા સ્વતંત્ર રીતે, નિષ્પક્ષ ભલામણો કરે છે. ભષ્ટ્રચાર નિવારવા કસુરવારો સામે નિયમાનુસાર શિક્ષાત્મક પગલાંઓ લેવા એ આયોગનો પાયાનો અભિગમ છે.
પ્રારંભમાં કલેકટર રવિ કુમાર અરોરાએ તકેદારી આયોગને લગતા તપાસના કેસો પુર્ણ કરવા અધિકારીઓને તાકીદ કરી આયોગને જાણ કરવા જણાવ્યું હતું. તકેદારી આયોગની બેઠકમાં એસીબીને લગતા કેસોની પણ સમીક્ષા કરવામાં આવી હતી.