સોશિયલ યુથ આઈકોનમાંથી હવે રાજકારણી બનેલા હાર્દિક પટેલને વસનગર કોર્ટે કરેલી સજા અંગે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જજ ઢોલરિયાની કોર્ટમાં સુનાવણી થઈ હતી.
હાર્દિક પટેલના વકીલ રફીક લોખંડવાળા અને વકીલ ઝૂબીન હાજર રહ્યા હતા. જજ ઢોલરિયાએ વિસનગર કોર્ટ આપેલી સજાને મોકુફ રાખવાની હાર્દિક પટેલના વકીલોની અરજી અંગે નોટ બીફોર મી કહી અરજીને પરત મોકલી હતી.
હાર્દિકના વકીલ રફીક લોખંડવાળા ટેલિફોન પર કહ્યું કે હવે પછી આ અરજી અન્ય જજની કોર્ટમાં ચાલશે. શુક્રવારની તારીખ આપવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે ગઈકાલે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની હાજરીમાં હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. એવું મનાય છે કે હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી જામનગરથી લડી શકે છે પરંતુ હાર્દિકની આડે વિસનગર કોર્ટે આપેલી સજા ચૂંટણી લડવા અંગે અડચણ જન્માવી શકે છે. હાલ આ અંગે કાયદાકીય અભ્યાસ કરવામાં આવી રહ્યો છે અને ટૂંક સમયમાં હાર્દિક ચૂંટણી લડશે કે કેમ તે નક્કી થઈ જશે. બાકી કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ અમદાવાદમાં કહ્યું કે હાર્દિક પટેલ ચૂંટણી લડશે અને જીતશે પણ.