ગુજરાત કેડરના 2011ની બેચના આઇપીએસ અભિષેક કુમાર સિંઘને કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સતત ગેરહાજર રહી તે અંગે કોઈપણ સ્પષ્ટતા ન આપી કસૂર કર્યા બદલ ફરજમુક્ત કરાયો છે. નોંધનીય છે કે 2014માં જુનાગઢમાં એએસપી તરીકે તેમની નિમણૂક કરાઈ હતી.
ડીજીપી ઓફિસના વિશ્વસનીય સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, અભિષેક સિંઘ ફરજ પર હાજર થયાનાં થોડા સમય બાદથી જ કોઈપણ જાણકારી આપ્યા વગર ગાયબ થઈ ગયા હતા. એક પોલીસ અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે, બિહાર રાજ્યના પટના ખાતે તેમના વતનમાં પણ પોલીસની ટુકડી તેમને શોધવા માટે મોકલવામાં આવી હતી પરંતુ તેમણે પોલીસને પોતાના ઘરમાં પ્રવેશવા દીધા નહોતા પોલીસ ટુકડી ત્યા લગભગ 15 દિવસ સુધી રહી તેમને પોલીસ ફોર્સ પાછી જોઈન કરવા મનાવવાના પ્રયત્નો કરાયા પણ તેઓ ન આવ્યા પરંતુ જ્યારે તેમના કેટલાંક મિત્રોએ તેમને સલાહ આપી કે જો તેઓ ફરજ પર હાજર નહીં થાય તો તેઓ નોકરી ગુમાવી દેશે આ સલાહ બાદ તેઓ અચાનક એક દિવસ ફરજ પર હાજર થવા માટે ડીજીપી ઓફિસ ગાંધીનગર ખાતે પહોંચી ગયા હતા.
આ સમગ્ર બનાવની જાણકારી નેશનલ પોલીસ એકેડમીને કરાઈ તેમણે આ જાણકારી ગૃહ વિભાગ સાથે શેર કરી. અભિષેક સિંઘે એનપીએ દ્વારા આયોજિત જિલ્લા પ્રેક્ટિકલ ટ્રેનિંગ પણ પૂરી કરી નહોતી. નિયમ પ્રમાણે આઇપીએસ પ્રોબેશનરે આ ટ્રેનિંગ 2 વર્ષમાં પૂર્ણ કરવાની હોય છે. ડીજીપી ઓફિસના સૂત્રો દ્વારા જાણકારી અપાઈ હતી કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ફરજ પરથી પરવાનગી વગર સતત ગેરહાજર રહેવાના કારણે મંત્રાલય દ્વારા તેમને ફરજમુક્ત કરી દેવાયા છે.