ટ્રાફિક બ્રિગેડ અને હોમગાર્ડના જવાન પાસે વાહનચાલકને રોકીને તેમની પાસે કાગળો માગવાની કે દંડ વસૂલ કરવાની કોઈ જ સત્તા નથી. તેમ છતાં પણ આ જવાનો વાહનચાલકોને રોકીને કાગળ માગવાના બહાને તોડબાજી કરે છે. જેથી ટ્રાફિક બ્રિગેડ અને હોમગાર્ડના જવાનો તોડબાજી અને ભ્રષ્ટાચાર કરવાનું બંધ નહીં કરે તો 1 મહિના પછી તેમના ફોટા – વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વહેતા કરવાની ચીમકી ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિએ ઉચ્ચારી છે.
આ અંગે સમિતિના પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું કે ટ્રાફિક બ્રિગેડ અને હોમગાર્ડના જવાનોની મદદ ટ્રાફિક નિયમન માટે લેવામાં આવે છે. જો કે તેમનું કામ માત્ર ટ્રાફિક નિયમન કરવાનું જ છે. પરંતુ હોમગાર્ડ અને ટ્રાફિક બ્રિગેડના જવાનો વાહનચાલકોને રોકીને તેમની પાસે લાઈસન્સ, આરસીબુક, પીયુસી, વીમા પોલિસી સહિતના કાગળો માગે છે. આટલું જ નહીં જો કાગળ ન હોય અથવા તો વાહનચાલકે ટ્રાફિક નિયમનનો ભંગ કરે તો દંડના નામે તેની પાસેથી તોડબાજી પણ કરે છે.
આ અંગે મુકેશ પરીખને રોજની 2 થી 3 ફરિયાદ મળતી હતી. જેના આધારે તેમણે ટ્રાફિકની વહીવટી શાખાના એસીપીને પત્ર લખીને જાણ કરી છેે. તેમજ વાહનચાલકો પાસે કાગળ માગતા જે પણ ટ્રાફિક બ્રિગેડ કે હોમગાર્ડના જવાન પકડાય તો તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે.જેમાં એ વાત સ્પષ્ટ કરી છે કે હોમગાર્ડ અને ટ્રાફિક બ્રિગેડના જવાનનું કામ માત્ર ટ્રાફિક નિયમનનું છે. તેમની પાસે કોઇ પણ વાહનચાલકને રોકવાની કે કાગળો માગવાની સત્તા નથી. તેમ છતાં હજુ જો આ જવાનો વાહનચાલકોને રોકવાનું ચાલુ જ રાખશે તો એક મહિના પછી તેમના વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વહેતા કરવામાં આવશે.
આ પોઈન્ટ પર સૌથી વધુ ફરિયાદો
- મણિનગર એલજી કોર્નર
- એસજી હાઈવે પકવાન ચાર રસ્તા
- એસજી હાઈવે ઈસ્કોન ચાર રસ્તા
- એસજી હાઈવે હેબતપુર ચાર રસ્તા
- ગુજરાત યુનિવર્સિટી ચાર રસ્તા
- કોમર્સ છ રસ્તા
- રાયખડ ચાર રસ્તા
- સીજી રોડ સ્વસ્તિક ચારરસ્તા
મહિલા, વૃદ્ધોને ન રોકવા સ્પષ્ટ સૂચના અપાઈ છે
ટ્રાફિક બ્રિગેડ અને હોમગાર્ડ પાસે કાગળ માંગવાની કે દંડ વસૂલ કરવાની સત્તા નથી તે વાત સાચી છે. પરંતુ તેઓ ટ્રાફિક પોલીસની સાથે જ કામ કરતા હોવાથી તેઓ વાહનચાલકને રોકે છે. આ ઉપરાંત મહિલાઓ, વૃદ્ધો, પરિવાર સાથે જતા લોકોને કોઇ એ પણ નહીં રોકવા અને હેરાન નહીં કરવા તમામ પોઈન્ટ પરના ટ્રાફિક પોલીસને સૂચના આપવામાં આવી છે. – મયંકસિંહ ચાવડા, સંયુકત પોલીસ કમિશનર ટ્રાફિક