આણંદ પાસેના અડાસ ગામ ખાતે પરણાવેલી પુત્રીએ સાસરીયાઓના ત્રાસથી ગુરૂવારે ગળેફાંસો ખાઈ લીધો હતો. જોકે, સમગ્ર બનાવને છુપાવવા માટે સાસરીયાઓ ગુપચુપ રીતે તેની અંતિમવિધિની તૈયારી કરતા હતા. પરંતુ આ મામલે પરિવારજનોએ વાસદ પોલીસને જાણ કરતાં જ પોલીસે તુરંત જ મૃતદેહનો કબજો મેળવી પીએમ કરાવ્યું હતું. જેમાં ગળેફાંસો હોવાનું ખૂલતાં પિતાની ફરિયાદના આધારે પોલીસે પાંચ સાસરીયાઓ વિરૂદ્ધ દુષ્પ્રેરણની કલમ હેઠળ ગુનો નોંધી ત્રણની ધરપકડ કરી છે.
આંકલાવના સેરડીયાપુરા સીમ વિસ્તારમાં કનુભાઈ શંકરભાઈ ઝાલા મકવાણા રહે છે. તેમની મોટી પુત્રી જયા (ઉ.વ.21) ના એક વર્ષ અગાઉ અડાસ તાબેના લક્ષ્મીપુરા સીમ વિસ્તારમાં રહેતા રાજુ ઈશ્વર પરમાર સાથે લગ્ન થયા હતા. જોકે, લગ્નના થોડાં જ સમયથી પતિ દ્વારા તેના પર ટોર્ચર કરાતું હતું. જેને પગલે પરિણીતા કંટાળી ગઈ હતી. તેણે આ મામલે પરિવારજનોને પણ જાણ કરી હતી.
બીજી તરફ તેના પતિ રાજુ અવાર-નવાર ઘરે મોડો આવતો હોય તથા તેને પરસ્ત્રી સાથે સંબંધ હોવાની જાણ થતાં તેને આ બાબતે ઠપકો આપતા તેને તેમણે માર માર્યો હતો. બીજી તરફ સાસુ-સસરા અને જેઠાણી દ્વારા અવાર-નવાર પતિને ચઢવણી કરી તેના પર ત્રાસ ગુજારાતો હતો. જેને પગલે પરિણીતાએ ગુરૂવારે સવારે આંગણામાં આવેલા ઝાડ સાથે સાડીનો ગાળીયો બનાવી ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણી દીધો હતો.
સમગ્ર બનાવની જાણ યુવતીના પરિવારજનોને કરવામાં આવતાં તેઓ તાબડતોડ તેમના ઘરે પહોંચી ગયા હતા. જેમાં તેઓ દ્વારા શ્વાસ ચઢતાં મૃત્યુ પામી હોવાનું કહેતાં જ તેમણે પોલીસની મદદ લીધી હતી. પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવતા સમગ્ર બાબતનો ભાંડો ફૂટ્યો હતો. પોલીસે આ મામલે દુષ્પ્રેરણના ગુના હેઠળ પતિ રાજુ ઈશ્વર પરમાર, સસરા ઈશ્વર રયજી પરમાર અને અર્જુન રયજી પરમારની ધરપકડ કરી છે. જ્યારે ચંપા પ્રવિણ અને મંગુ અર્જુન પરમાર હાલ વોન્ટેડ છે.
પરસ્ત્રી સાથે સંબંધ હોવાની જાણ થતાં જ પત્નીએ મોબાઈલ તોડી નાંખ્યો હતો
કનુભાઈ મકવાણાએ આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પંદર દિવસ પહેલાં ધરોઆઠમ પર તેણી ઘરે આવી હતી ત્યારે મારા પુત્ર શૈલેષને તેના પતિને કોઈ સ્ત્રી સાથે સંબંધ હોવાની જાણ કરી હતી. અને તેને પગલે તેણે તેનો મોબાઈલ તોડી નાંખ્યો હતો. ત્યારથી તેનો પતિ તેને બોલાવતો નથી અને તેની પાસે આવતો નથી. બધા ભેગા થઈને હેરાન કરતા હોવાનું જણાવ્યું હતું.