ગઈકાલે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે 2.20 મિનિટે સમયસર શપથગ્રહણ કર્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. શપથ લીધા બાદ તરત ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. શપથવિધિ દરમિયાન વિજય રૂપાણી, નીતિન પટેલ સહિતના પૂર્વ મંત્રીઓ હાજર હતા. શપથવિધિ બાદ રાતે અમિત શાહે દિલ્હી જતાં પહેલાં અમદાવાદ શાહીબાગ સર્કિટ હાઉસમાં ભૂપેન્દ્ર યાદવ સાથે નવા મંત્રીમંડળની રચના અંગે અચાનક જ બેઠક કરી હતી, એટલે કે આજે સાંજ સુધીમાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી સરકારના મંત્રીઓનાં નામ જાહેર થશે અને આવતીકાલે નવા મંત્રીઓની શપથવિધિ યોજાય એવી શક્યતાઓ છે. બીજી તરફ, આનંદીબેન પટેલ પણ શનિવારે ઉત્તરપ્રદેશથી ગુજરાત આવવાના છે.
નવા સીએમના શપથગ્રહણમાં મોટી સંખ્યામાં હાજરી રહી હતી
ભૂપેન્દ્ર પટેલની શપથવિધિમાં RSS, VHP, ABVP સહિતના અગ્રણીઓ રાજભવન ખાતે પહોંચ્યા હતા. શપથ સમારોહમાં ભાગ લેવા ભૂપેન્દ્ર પટેલના પરિવારના સભ્યો હાજર હતા. પત્ની, પુત્ર, પુત્રવધૂ,પૌત્રી,પુત્રી અને અન્ય પરિવારના સભ્યો પ્રથમ હરોળમાં બેઠાં હતાં. શપથગ્રહણ કર્યા બાદ વડાપ્રધાન મોદીએ તેમને અભિનંદન પાઠવ્યાં હતાં. મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે ભૂપેન્દ્રભાઈ પટેલને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા બદલ અભિનંદન! આપને યશસ્વી કાર્યકાળ માટે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.
આ રાજ્યોના મુખ્યપ્રધાનો ઉપસ્થિત રહ્યા હતા
આજે ગુજરાતના મુખ્યમંત્રીના શપથગ્રહણ સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ખાસ ઉપસ્થિત રહેશે. હરિયાણાના સીએમ મોહનલાલ ખટ્ટર, ગોવાના સીએમ પ્રમોદ સાવંત, મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ અને આસામના સીએમ હિમંતા બિસ્વા સરમા હાજર રહ્યા હતા.
શપથવિધિ પતાવી CMની પહેલી જ મીટિંગ પૂર ઈમર્જન્સીની
નવા મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા બાદ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી કાર્યાલય પહોંચ્યા હતા. અહીં તેમણે સૌથી પહેલી મીટિંગ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ઉદભવેલી ઈમર્જન્સીની સ્થિતિની કરવી પડી હતી. તાકીદે બોલાવેલી આ બેઠકમાં જ તેમણે જામનગરમાં જરૂરી પગલાં અંગે જિલ્લા કલેક્ટરને સૂચનાઓ આપી હતી.