રાજયમાં ભારે વરસાદ પડતાં સર્વત્ર પાણી પાણી થઈ ગયુ છે ત્યારે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અને ચૂડા પંથકમાં ભારે વરસાદના પગલે સર્વત્ર જળબંબાકાર સર્જાયો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડામાં ગઈકાલે સવા ચાર ઇંચ તેમજ લીંબડીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડતા ચૂડાના અનેક વિસ્તારો ગળાડૂબ પાણીમાં ગરક બન્યા છે. લીંબડીમાં ઉપરવાસમાં વધુ વરસાદને લીધે લીંબડી તાલુકાના ટોકરાળા ગામના સર્વિસ રોડ ઉપર પાણી ફરી વળતા નર્મદા કેનાલ ઉપર 7 વ્યક્તિઓ ફસાઈ ગયા હતા.
જે અંગેની જાણ થતાં ગામના સરપંચ સહિત ગામ લોકોએ JCBની મદદથી રેસ્ક્યુ કર્યું હતું.
બન્ને સાઇડ એક-એક JCB રાખી ફસાયેલા 7 લોકોને JCBના પાવડામાં બેસાડીને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.