રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ કમોસમી વરસાદ થયો છે અને ગત સાંજે રાજકોટ જિલ્લાના પાટણવાવ, કલાણામાં એક જ કલાકમાં અનરાધાર 4-4 ઈંચ વરસાદ પડ્યા બાદ આજે ધોરાજી અને ઉપલેટામાં ધોધમાર પડયાના અહેવાલ છે. ધોરાજીના પાપટવાવના ઓસમ ડુંગર પરથી પાણીનો ધસમસતો ધોધ વહેતો થયો હતો.
ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા જ્યારે જેતપુર, જસદણ પંથકમાં પણ હળવો વરસાદ વરસ્યો હતો.
ધોરાજી તાલુકાના કલાણા, છત્રાસા, ચિચોડ, રવની સહિતનાં ગામોમાં ગાજવીજ અને તોફાની પવન સાથે ધોધમાર 4 ઇંચ વરસાદ પડતા ગ્રામ્ય વિસ્તારમાં ખાલી પડેલા તમામ ચેકડેમો ઓવરફ્લો થતા જોવા મળ્યા હતા. આ ગામોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. જ્યારે પાટણવાવમા ધોધમાર 4 ઈંચ વરસાદ વરસતાં સર્વત્ર વિસ્તાર જળ બંબાકાર થઈ ગયો હતો.
આમ,સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યાના અહેવાલ છે.