૧૧ વર્ષથી નરેન્દ્ર મોદીને રાખડી બાંધતી દીકરીને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દત્તક લેવા અનાજ દળવાની ઘંટી ચલાવતા અમદાવાદના પિતાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને દિલ્હી જઈને વડા પ્રધાનને રાખડી બાંધવાની દીકરીની ઇચ્છા પૂરી કરવા માટે આ પત્રમાં લાગણી વ્યક્ત કરી છે.
અમદાવાદના ભૂપેન્દ્ર પ્રજાપતિએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે…‘હાલના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે મારી દીકરી રિપલ ચોથા ધોરણમાં અભ્યાસ કરતી હતી ત્યારથી દર રક્ષાબંધનમાં તેમને રાખડી બાંધવા જતી હતી. સતત ૧૧ વર્ષ સુધી તેણે નરેન્દ્રભાઈ મોદીને રાખડી બાંધી છે. જોકે તેઓ વડા પ્રધાન બન્યા બાદ રૂબરૂ મુલાકાત નહીં મળવાને કારણે મારી દીકરી તેમને પોસ્ટ દ્વારા રાખડી મોકલતી હતી, પરંતુ આ વખતે રક્ષાબંધનના દિવસે વડા પ્રધાનને રૂબરૂ મળીને રાખડી બાંધવાની ઇચ્છા મારી દીકરીએ વ્યક્ત કરી છે જે વિશે વડા પ્રધાનને પત્ર લખી મારી દીકરી માટે વ્યક્તિગત રીતે થોડો સમય ફાળવવા પત્રમાં વિનંતી કરી છે.
આ ઉપરાંત વડા પ્રધાન ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાન ચલાવી રહ્યા છે એના પ્રત્યે અમને લાગણી છે અને આ અભિયાન માટે દેશને પ્રેરણા મળે એ માટે તેમ જ આ યોજનાના સમર્થનમાં મારી દીકરીને નરેન્દ્ર મોદીને પ્રત્યક્ષ કે પરોક્ષરૂપે દત્તક આપવા માટે પણ હું ખુશ છું એ માટે પત્રમાં લાગણી વ્યક્ત કરી છે.
આ વખતે દિલ્હી જઈને મારી દીકરી વડા પ્રધાનને રાખડી બાંધે એ માટે તેમને મળવા પ્રોટોકૉલ પ્રમાણે અપૉઇન્ટમેન્ટ માટે કાર્યવાહી કરી છે. અમે અગાઉ તેમને પોસ્ટ દ્વારા રાખડી મોકલી હતી એ માટે આભાર વ્યક્ત કરતો પત્ર પણ નરેન્દ્ર મોદીએ અમને લખ્યો હતો.’