સરદાર સરોવર ડેમના ઉપરવાસમાં આવેલાં મધ્યપ્રદેશમાં ઓમકારેશ્વર ડેમમાંથી અઢી લાખ ક્યુસેક પાણી છોડાતાં નર્મદા ડેમના 15 ગેટને 2.4 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતાં વગર વરસાદને નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ગોરા પૂલ ડૂબી જતાં 8 ગામો સંપર્કવિહોણા બન્યા છે.
મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમના 18 ગેટ ખોલી પાણી છોડાતાં નર્મદા ડેમનાં પણ ગેટ ખોલવામાં આવ્યા હતા. જેમાં વધારો કરી રવિવારે બપોર સુધી 15 ગેટને 2.5 મીટર ખોલવામાં આવ્યા છે. જેના નર્મદા નદીમાં 2.44 લાખ ક્યુસેક પાણી ઠલવાઈ રહ્યું છે. જેના કારણે હાલમાં નર્મદા નદીમાં ઘોડાપૂર યથાવત છે.
નર્મદા ડેમની જળસપાટી 132.91 મીટર થઈ છે. ત્યારે નર્મદા ડેમની મહત્તમ પૂર્ણ જળસપાટી 138.68 મીટર સુધી ભરી શકાય તેવી શક્યતા છે. આ માટે તકનીતિ રીતે ધીરે ધીરે 138.68 મીટર સુધી ભરવામાં આવશે. નર્મદા પાણીથી 1200 મેગાવોટ હાઈડ્રો પાવર હાઉસમાં વીજળીનું ઉત્પાદન પણ સતત ચાલુ છે. જેમાંથી મોટાભાગની વીજળી મધ્યપ્રદેશ લઈ જાય છે. જ્યારે પાણીનો મહત્તમ લાભ ગુજરાતને મળે છે.