મોટર વ્હીકલ એક્ટમાં નવા સુધારાના અમલને શનિવારે પહેલા દિવસે ટ્રાફિક પોલીસે નિયમભંગ કરનાર 432 વાહન ચાલકો પાસેથી રૂા 2.06 લાખની વસૂલાત કરી હતી. નિયમ ભંગ કરનાર 3 પોલીસ કર્મીને બમણો દંડ ફટકાર્યો હતો. લાઇસન્સ વગર સુપર કોપ બાઇક ચાલવતા પોલીસ કર્મીને રૂા. 4 હજાર અને કાગળ સાથે નહીં રાખતા રૂા. 2 હજાર મળી કુલ રૂા. 6 હજારનો દંડ વસૂલ કરાયો હતો.
આજે 10થી વધારે પોઇન્ટ પર ચેકિંગ
શનિવારે ટ્રાફિક પોલીસની 11 ટીમોના 82 પોલીસ કર્મીઓએ જુદા જુદા પોઇન્ટ પર ટ્રાફિક નિયમનો ભંગ કરતાં વાહન ચાલકો સામે ડ્રાઇવ કરી હતી. હેલમેટ વગર , ડ્રાઇવિંગ લાઇસન્સ, ત્રણ સવારી, સીટ બેલ્ટ, સિગ્નલ ભંગ, રોંગ સાઇડ અને મોબાઇલ પર વાત કરતાં 365 વાહન ચાલકોને પકડી રૂા. 1.85 લાખ વસૂલ્યા હતાં. પદ્માવતી શોપીંગ સેન્ટર પર 54 રિક્ષાને ડીટેઇન કરી હતી. લેઝર સ્પીડ ગનથી ઓવર સ્પીડ જતાં 13 વાહન ચાલકને રૂા. 20,500 નો દંડ કર્યો હતો. ટ્રાફિક પોલીસે એન્ટી ચેઇન સ્નેચિંગ માટે સુપર કોપ બાઇક લઇ કાયદાનું પાલન નહીં કરનાર 3 પોલીસ કર્મચારીઓને બેવડો દંડ ફટકાર્યો છે. 2 પોલીસ કર્મચારી વગર લાઇસન્સે મળી આવતાં તેમની પાસેથી રૂા. 2 -2 હજાર મળી કુલ રૂા. 4 હજાર દંડ વસૂલ્યો હતો જ્યારે તે પૈકીના એક અને બીજા એક બાઇક ચાલક પાસે વાહનના દસ્તાવેજા સાથે ન હોવાથી તેમને રૂા. 1-1 હજાર મળી રૂા. 2 હજારનો દંડ કરતા ત્રણે પાસેથી રૂા. 6 હજારની વસૂલાત કરી હતી. રવિવારે ચકલી સર્કલ સહિત 10 પોઇન્ટ પર પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરાશે.
સાહેબ, પૈસા નથી, ક્રેડિટ કાર્ડ ચાલશે
માંડવી પાસે સાંજે ટ્રાફિક પોલીસે વાઘોડિયા રોડની મહિલાને વગર હેલમેટે પકડી હતી. પોલીસે રૂા. 500નો મેમો આપતાં મહિલાએ રોકડા નથી પણ સાહેબ ક્રેડીટ કાર્ડ ચાલશે તેમ કહ્યું હતું. પોલીસે એટીએમમાં જઇ ઉપાડી લાવો તેવું કહેતા મહિલા પૈસાની વ્યવસ્થા કરવા દોડી ગઇ હતી.