અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થતી જાય છે ત્યારે કુંભમાં જઈને પરત ફરેલા પ્રવાસીઓ પણ વધારે ખતરો બની રહ્યા છે. કુંભમાંથી પરત ફરેલા લોકો કોરોના પોઝિટિવ આવી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાના આંકડાઓ દિવસે દિવસે વધી રહ્યાં છે. ત્યારે રાજ્ય સરકારની ગાઈડલાઈન્સ પ્રમાણે પશ્ચિમ રેલવે દ્વારા હરિદ્વાર, કુંભમેળામાંથીપરત આવી રહેલા મુસાફરોની કોરોનાનો ટેસ્ટ કરવામાં આવી રહી છે. અહીં રેલવે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગીથી કામગીરી કરવામાં આવી રહી છે. અહીં સ્પેશિયલ રેપીડ એન્ટિજન ટેસ્ટ માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. હરિદ્વારથી પરત ફરેલા 313 મુસાફરોની તપાસ કરવામાં આવી હતી. આ મુસાફરો યોગનગરી એક્સપ્રેસમાં અમદાવાદ પહોંચ્યા હતા અને તેમાંથી 34 લોકો પોઝિટિવ આવ્યા હતા.
પોઝિટિવ આવેલા દર્દીઓને સાબરમતી સમરસ હોસ્ટેલ ફેસિલિટીમાં ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે. AMCના ઉપરી અધિકારીઓ દ્વારા જણાવ્યું કે યોગા એક્સપ્રેસ લગભગ 3 વાગ્યે પહોંચી હતી. યોગા એક્સપ્રેસમાં રવિવારે આવનારા મુસાફરોની પણ તપાસ કરવામાં આવશે. કુંભમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
આ લોકો માત્ર ગુજરાત નહીં પરંતુ આખા ભારતમાં સુપર સ્પ્રેડર બને તેવી ભીતિને પગલે આ નિર્ણય લેવાયો છે. હવે બસ સ્ટેશને પણ યાત્રીઓના ટેસ્ટ કરવામાં આવશે. જેઓ અલગ રૂટથી કે સંઘ-યાત્રા પ્રવાસમાં જઈને આવ્યા છે તે તમામના પરિક્ષણ કરવામાં આવશે.
ગઇકાલે રાજ્યના સીએમ રૂપાણી જામનગરની મુલાકાતે હતા. ત્યાં તેમણે પત્રકારો સાથે વાચચીત કરી હતી. તે દરમિયાન સંક્રમણ ન ફેલાઇ તે માટે મહત્ત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, કુંભ મેળામાં ગયેલા કોઇપણ વ્યક્તિને સીધેસીધા પોતાના ગામમાં પ્રવેશ નહીં મળે. તમામ કલેક્ટરને સૂચના આપવામાં આવી છે કે, કુંભમાંથી જે કોઇપણ પરત આવે તેમને આઇસોલેટ કરવામાં આવે. તેમનો આરટીપીસીઆર કરવામાં આવે.
સીએમ રૂપાણીએ સાથે જણાવ્યું હતું કે, આપના માધ્યમથી પ્રજાને વિનંતી કરું છું કે, સંક્રમણ ટાઢું પડે ત્યાં સુધી લોકો બિનજરૂરી ઘરની બહાર ન નીકળે. ખાસ મોટી ઉંમરના અને બાળકો તો ન જ નીકળે. એવી જ રીતે ફરજિયાત માસ્ક પહેરો. કન્ટેઇનમેન્ટ ઝોન વધારવાની સૂચના આપી છે. ઝડપથી લોકો વેક્સિન લે. ગભરાવવાની જરૂર નથી સાવચેત રહેવાની જરૂર છે.