Valsad: વલસાડમાં જિલ્લા કક્ષાના 75માં વન મહોત્સવની ઉજવણી રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈનાઅધ્યક્ષસ્થાને ઉમરગામ તાલુકાના નારગોલ ગામમાં આવેલી દક્ષિણા વિદ્યાલય ખાતે આજરોજ કરવામાં આવી હતી.
Valsad: આ ઉજવણી પ્રસંગે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જીનીવામાં મળેલી વૈશ્વિક કોન્ફરન્સમાં કાર્બન ઉત્સર્જન ઝીરો થાય તે માટે આહવાન કર્યુ હતું. કાર્બન ડાયોક્સાઈડ ગેસ હાનિકારક છે. વૃક્ષો કાર્બન ડાયોક્સાઈડ શોષી લે છે અને તેની સામે આપણને ઓક્સિજન આપે છે. જેથી વૃક્ષારોપણ ખૂબ જ જરૂરી છે. આ સિવાય સોલાર ઊર્જા અને પવન ઊર્જા પણ કાર્બન ઉત્સર્જન ઝીરો કરવા માટે અસરકારક છે. સોલારના ઉપયોગથી કોલસાનો ઉપયોગ અટકી જશે.
વૃક્ષો સંવેદશીલ હોય છે, તેને આપણા મિત્ર તરીકે ગણી ઉછેરવા જોઈએ.
વડાપ્રધાનશ્રીએ એક પેડ મા કે નામ અભિયાન શરૂ કર્યુ છે. તેમના સંકલ્પને સાકાર કરવા માટે દરેક લોકો આ અભિયાનમાં જોડાય એવી અપીલ મંત્રીશ્રીએ કરી હતી. વધુમાં તેમણે કહ્યું કે, આપણો વલસાડ જિલ્લો હરિયાળીથી લહેરાતો પ્રદેશ છે. આપણી ભાવિ પેઢી માટે તેને જાળવવાની જવાબદારી આપણા સૌની છે. વધુમાં તેમણે વન મહોત્સવની શરૂઆતનો ઉલ્લેખ કરી ૧૯૫૦ની સાલમાં કેન્દ્રિય પર્યાવરણ મંત્રીશ્રી સ્વ. કનૈયાલાલ માણેકલાલ મુનશીની દીર્ઘદ્રષ્ટીને બિરદાવી તેમના વિઝનને પરિપૂર્ણ કરવા આહવાન કર્યુ હતું.
ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે,
આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક પેડ માં કે નામ અભિયાન શરૂ કરાવી વૃક્ષનું મહત્વ સમજાવ્યું છે. વૃક્ષથી આપણને સારું ઓક્સિજન મળશે તો બીમારીથી દૂર રહીશું. દરેક ગામમાં વન ઉછેર કરવા જણાવી સાથે વૃક્ષ ન કપાય તે માટે એક જાગૃતિ સમિતિ બનાવવા સૂચન કર્યું હતું. સાથે જ ઉમરગામ તાલુકામાંઆવેલી કંપનીઓને સીએસઆર ફંડમાંથી વન વિસ્તારનો વ્યાપ વધારવા જણાવ્યું હતું.
વલસાડ વન વર્તુળના મુખ્ય વન સંરક્ષકશ્રી મનિશ્વર રાજાએ પ્રાસંગિક પ્રવચનમાં વન વિભાગની વિવિધ યોજનાની માહિતી આપી
આ યોજનાઓનો લાભ લઇ વન વિસ્તારનો વિકાસ કરવા જણાવ્યું હતું. વધુમાં તેમણે વૃક્ષનું મહત્વ સમજાવતા જણાવ્યું કે, વલસાડ
જિલ્લામાં ૩૩ ટકા વન વિસ્તાર છે. એક વ્યક્તિને શ્વાસ લેવા માટે રોજના ૬૦૦ લીટર પ્રાણવાયુની જરૂર હોય છે. એક વૃક્ષ ૧૨૦ લીટર
પ્રાણવાયુ આપે છે તે મુજબ એક વ્યક્તિ માટે પાંચ વૃક્ષની જરૂર હોય છે. જેથી વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા આહવાન કર્યું હતું.
વન મહોત્સવની ઉજવણી દરમિયાન
સામાજિક વનીકરણ વિભાગની વિવિધ યોજનાનો લાભ લેનાર ૨૧ લાભાર્થીઓને લાભોનું વિતરણ મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. સાથે જ પર્યાવરણ ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરનાર વ્યકિતઓનું પણ સન્માન કરાયું હતું.
વન વિભાગ દ્વારા મંત્રીશ્રીને બોનસાઈ છોડ આપી સ્મૃતિ ચિન્હ અર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં "એક પેડ મા કે નામ અભિયાન હેઠળ મુખ્ય અતિથિ અને કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ તેમજ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરી મંત્રીશ્રી દ્વારા વૃક્ષ રથને લીલીઝંડી આપી રોપા વિતરણ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, ઉમરગામ તાલુકા પંચાયતના પ્રમુખ લલીતાબેન દુમાડા, ઉમરગામ તાલુકા
પંચાયતના કારોબારી અધ્યક્ષ મહેશ આહિર, દક્ષિણ વન વિભાગના નાયબ વન સંરક્ષક ઋષિરાજ પુવાર, ઉમરગામ તાલુકા સંગઠન પ્રમુખ દિલીપ ભંડારી, ઉમરગામ તાલુકા વિકાસ અધિકારી ચંદ્રકાન્ત પઢીયાર, નારગોલના સરપંચ સ્વીટીબેન ભંડારી, ગામના અગ્રણી યતિનભાઈ ભંડારી, ઉમરગામ ઈન્ડ્રસ્ટીયલ એસોસિએશના પ્રમુખ નરેશ બાંથિયા, દક્ષિણા વિદ્યાલયના આચાર્ય વિશાલ સાવંત તેમજ અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
નારગોલ ગ્રામ પંચાયત અને દક્ષિણા વિદ્યાલય દ્વારા
મંત્રીશ્રીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. કે.ડી.બી. હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષકશ્રી ડો. રામ રતન નાલાએ સ્વાગત ઉદબોધન કર્યું હતું. જ્યારે આભારવિધિ સામાજિક વનીકરણ વિભાગના મદદનીશ વન સંરક્ષક જીનલ ભટ્ટે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તારેશભાઈ સોની અને વર્ષાબેન સી.પટેલે કરી હતી.
દક્ષિણા વિદ્યાલય દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ બોલાવાઇ
૧૭ એકર જમીન પર પ્રાકૃતિક વાતાવરણમાં સ્થિત દક્ષિણા વિદ્યાલય, ઓરોમીરા સેન્ટર ફોર એક્સેલન્સ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે પ્રાકૃતિક ખેતી, ગૌપાલન, સુથારીકામ અને કુંભારી કામ અંગે જીવનલક્ષી શિક્ષણ આપવામાં આવે છે ત્યારે આ જિલ્લા કક્ષાના વન મહોત્સવમાં આ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ડાન્સ, મ્યુઝિકલ સ્કીટ, ઓરોમીરા ફ્યુઝન ડાન્સ, વૃક્ષ લગાયેંગે હમ સંગીત, વક્તવ્ય અને ડાંગી નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. જ્યારે સંજાણની એસ.જી.ડાકલે હાઈસ્કૂલ દ્વારા ડાંગી નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીએ તાળીના ગડગડાટ સાથે તમામ કૃતિને વધાવી લીધી હતી. આ સાંસ્કૃતિક કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થી અગસ્ત્ય હજેવા અને નિત્યા પરીખે કર્યું હતું.