અમદાવાદ તા.૬ : ગુજરાત રાજય માધ્યમિક શિક્ષણ બોર્ડે ધો.૯ થી ૧રની પ્રથમ પરીક્ષા ૧પ દિવસ મોડી કરી છે.
ગુજરાતમાં પડેલા ભારે વરસાદને પગલે શિક્ષણ કાર્યને અસર પડી હતી. શિક્ષણ બોર્ડની શૈક્ષણિક સમિતિની ભલામણ બાદ શિક્ષણ બોર્ડે પરિપત્ર જાહેર કરીને પરીક્ષા નવરાત્રીને બદલે દિવાળી પુર્વે યોજવા ઠરાવ કર્યો છે. બોર્ડ દ્વારા મંજુર કરવામાં આવેલ વર્ષ-ર૦૧૭-૧૮ના શૈક્ષણિક કેલેન્ડર મુજબ શાળાઓમાં પ્રથમ વાર્ષિક પરીક્ષા તા.૧૪-૦૯-ર૦૧૭ થી તા.રર-૦૯-ર૦૧૭ દરમિયાન લેવાનું આયોજન કરવામાં આવેલ હતુ. રાજયના ઘણા વિસ્તારોમાં અતિવૃષ્ટિના કારણે શાળાઓમાં શૈક્ષણિક કાર્યને અસર થયેલ છે. આ અનુસંધાને પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવા માટે બોર્ડને રજુઆતો મળેલ હતી. જે અન્વયે તા.૩૧-૦૮-ર૦૧૭ના રોજ બોર્ડ ખાતે મળેલ શૈક્ષણિક સમિતિમાં કરવામાં આવેલ નિર્ણય અનુસાર સમગ્ર રાજયમાં ગુ.મા.ઉ.મા.શિ. બોર્ડની માન્યતા ધરાવતી તમામ શાળાઓમાં ધોરણ-૯ થી ૧રની પ્રથમ વાર્ષિક પરીક્ષા તા.૧૪-૦૯-ર૦૧૭ થી તા.રર-૦૭-ર૦૧૭ને બદલે તા.૦૩-૧૦-ર૦૧૭ થી તા.૧૩-૧૦-ર૦૧૭ દરમિયાન લેવાની રહેશે. આ ઉપરાંત ધો.૯ અને ધો.૧૦માં શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન (એસસીઇ) અંતર્ગત વિદ્યાર્થીઓના રેમેડીયલ ટીચીંગ અને રીટેસ્ટ અંગેની કામગીરી શાળાકક્ષાએ દ્વિતિય સત્રમાં તા.૦૬-૧૧-ર૦૧૭ થી તા.૧૭-૧૧-ર૦૧૭ દરમિયાન પુર્ણ કરવા સુચના આપવામાં આવી છે.