બારડોલી : પલસાણા તાલુકાનાં ધામડોદ ગામની સીમમાં નેશનલ હાઇવે નંબર 53 પર મોટર સાયકલ સ્લીપ થતાં સ્કેટ એન્જીનિયરીંગ કોલેજના વિદ્યાર્થીનું મોત નીપજયું હતું.
આ અંગે મળતી માહિતી અનુસાર તાપી જિલ્લાના વ્યારા નજીક પાનવાડી ખાતે આવેલી ચંદનવાડી સોસાયટીમાં રહેતા રાકેશભાઈ ડાહ્યાભાઈ ચૌધરી ઉકાઈ DGVCLમાં નાયબ ઇજનેર તરીકે નોકરી કરે છે. તેમના બે પુત્રો પૈકી મોટા પુત્ર જૈવિકે દોઢ વર્ષ પૂર્વે આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે નાનો પુત્ર પાર્થ (ઉ.વર્ષ 19) સુરતની સ્કેટ એન્જીનિયરીંગ કોલેજમાં અભ્યાસ કરતો હતો. પાર્થ ગુરુવારે સાંજે મોટર સાયકલ પર સુરતથી પલસાણા થઈ વ્યારા પોતાના ઘરે જવા નીકળ્યો હતો તે સમયે પલસાણા તાલુકાનાં ધામડોદ ગામની સીમમાં નેશનલ હાઇવે નંબર 53 પર મોટર સાયકલ સ્લીપ થતાં પાર્થને ગંભીર ઇજા પહોંચી હતી. તેને તાત્કાલિક બારડોલીની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. મૃતકના પિતાએ આ અંગે પલસાણા પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
માતપિતાએ દોઢ વર્ષમાં બીજો પુત્ર પણ ગુમાવ્યો
ઉકાઈ ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કચેરીમાં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતા રાકેશભાઈ ડાહ્યાભાઈ ચૌધરી (ઉ.વર્ષ 52)ને સંતાનમાં બે પુત્રો હતા. મોટો પુત્ર જૈવિક અને નાનો પાર્થ. આજથી દોઢેક વર્ષ પહેલા જૈવિકે કોઈક કારણોસર આત્મહત્યા કરી લેતા તેમના માટે નાનો પુત્ર પાર્થ જ સર્વસ્વ હતો. પરંતુ વિધિના લેખમાં કોઈ મેખ મારી શકતું નથી એમ રાકેશભાઈના બીજા પુત્ર પાર્થનું પણ અકસ્માતમાં મોત થતાં પરિવારને માથે મોટી આફત આવી પડી છે. ટૂંકા ગાળામાં બંને જુવાનજોધ દીકરાના મોતથી પરિવાર અને સગા સંબંધીઓ પણ સ્તબ્ધ થઈ ગયા છે.