ગુજરાતનાં કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ આજે રાજકોટની મુલાકાતે છે. અહીં તેમણે બર્ડ રેસ્ક્યુ ટેન્ટની મુલાકાત લીધી હતી. સાથે કેટલીક મહત્વની જાહેરાત પણ કરી હતી. જેમાં ખેડૂતોને રૂપિયા 15 હજારનાં મોબાઈલની ખરીદી માટે 40%ની સહાય આપવાનું જાહેર કર્યું છે. આ પહેલા સરકાર દ્વારા 10% સહાય જાહેર કરવામાં આવી હતી. જેમાં વધારો કરીને 40% કર્યાનું જણાવ્યું હતું. સાથે જ આ માટે ડોક્યુમેન્ટ પણ સરળ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત રખડતા ઢોર મામલે ટૂંક સમયમાં નિર્ણય કરી તાત્કાલિક જરૂરી પગલાં લેવાની ખાતરી પણ તેમણે આપી હતી.
આ તકે મીડિયા સાથેની વાતચીતમાં રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતો માટેની સ્માર્ટફોન યોજનામાં સુધારો કરવામાં આવશે. અગાઉ ખેડૂતોને રૂ.15 હજાર સુધીની મોબાઈલ ખરીદીમાં 10 % સહાય આપવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી. જેમાં હવે વધારો કરી ખેડૂતોને રૂ.15 હજાર સુધીની મોબાઈલ ખરીદી પર હવેથી 40 % સહાય આપવામાં આવશે. આ ઉપરાંત સ્માર્ટફોન ખરીદી માટેની સહાય ખેડૂતોને સરળતાથી મળે તે માટે સામાન્ય ડોક્યુમેન્ટ લેવા માટે મંત્રાલયને સૂચના અપાઈ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
વધુમાં તેમણે રખડતા ઢોર અંગે જણાવ્યું હતું કે, હાલ આખલોઓ ઇજાઓ કરે છે અને લોકોને મારે પણ છે. સાથે જ ગ્રામ્ય વિસ્તારમાં ઉભા પાકને નુકસાન પણ કરે છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાંથી આ માટેની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. મહાનગરોમાં જાહેર માર્ગો પર ઢોર રોડ પર આવતા અકસ્માત અને મોતની ઘટનાઓ પણ સામે આવી ચુકી છે. અને આ મામલે ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ ટકોર કરી ચુક્યા છે. ત્યારે રખડતા ઢોરના ત્રાસ મુદ્દે સરકારે ગંભીરતા પૂર્વક વિચારણા શરૂ કરી છે. અને રાજ્ય સરકાર ટૂંક સમયમાં આ અંગે નિર્ણય કરી ઢોરના ત્રાસમાંથી મુક્તિ અપાવશે.
ઉલ્લેખનીય છે કે, ઉતરાયણ દરમિયાન રાજકોટ શહેર અને જિલ્લામાં વહીવટી તંત્ર અને કરુણા ફાઉન્ડેશન દ્વારા બર્ડ રેસ્ક્યુ ટેન્ટ ઉભું કરવામાં આવે છે. જ્યાં પતંગના દોરથી ઘવાયેલા પક્ષીઓની સારવાર કરવામાં આવતી હોય છે. તારીખ 10 થી 20 જાન્યુઆરી સુધી કાર્યરત રહેનાર આ બર્ડ રેસ્ક્યુ ટેન્ટની રાઘવજી પટેલે મુલાકાત લીધી હતી. અને પક્ષીઓ માટે કરવામાં આવતી તંત્રની આ કામગીરીને બિરદાવી હતી.