Ahmedabad: અમદાવાદના શીલજ તાલુકામાં કાયદાની ઐસી તૈસી કરીને સામુદાયિક ખેતી સહકારી મંડળી અને હાઉસીંગ કો.ઓપરેટિવ સોસાયટીને મંજૂરી વિના ખરીદ-વેચાણ કર્યાનું મસ-મોટું કૌભાંડ આચરી સરકાર સાથે છેતરપિડી કરવામાં આવી હોવાનો આક્ષેપ અમદાવાદના રાષ્ટ્રીય નિર્માણ સેનાનાં ઉપપ્રમુખ અનિલ દાફડા દ્વારા કરવામાં આવ્યો છે. તેમણે સમગ્ર કૌભાંડ અંગે તપાસની માંગ કરી છે.
અનિલ દાફડાએ જણાવ્યું છે કે સામુદાયિક ખેતી સહકારી મંડળી હોય કે હાઉસીંગ સોસાયટી હોય દરેક માટે સરકારશ્રીએ કાયદો ઘડી નિયમો બનાવ્યા છે, પરંતુ અમદાવાદ જિલ્લાના ઘાટલોડીયા તાલુકાનાં શીલજ ગામના સર્વે નંબર 749 અને સર્વે નંબર 750ની માલિકી ધરાવતા અને પોપ્યુલર બિલ્ડર્સના માલિક મોટી વગ ધરાવતા ઇસમોએ સરકારના પરિપત્ર નં.ગણત-1087-694-4 સચિવાલય ગાંધીનગરના 2-3-87 અને 26-4-1966ના પરિપત્ર ક્રમાંક ટી.એન.સી 1065-13539/4 પરિપત્રના ધજાગરા ઉડાવી કલેક્ટરની પૂર્વ મંજૂરી વિના સરસ્વતી સ્મૃતિ ખેતી સહકારી મંડળી અને એ જ મંડળી ફરી સહેલી સામુદાયિક ખેતી સહકારી મંડળીના નામ ફેરફાર કરાવી સરકારના નિયમો–પરિપત્રોનું ઉલ્લંઘન કર્યો હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે.
તેમણે જણાવ્યું કે ખેતી સહકારી મંડળીને સરકાર પણ જમીન આપે છે,
જેમાં અનુસુચિત જન જાતિ મંડળીને પણ ખેતી કરવા જમીન આપે છે, જેનો હેતુ સભ્યોનું જીવનધોરણ ઊંચું લાવવા માટેનો હોય છે પરંતુ આવી સામુદાયિક ખેતી સહકારી મંડળીઓ નજીવી કિંમતે ખરીદ કરી ઊંચા ભાવે વેચાણ કરી પોતાના ખિસ્સા ભરવાનો ધંધો અમદાવાદમાં તો હાઇ-પ્રોફાઇલ બિઝનેસ બની ગયો હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે.
તેમણે કહ્યું કે આ કિસ્સામાં તો અગાઉના ખરીદનાર ઇસમો ખેડૂત છે કે કેમ તેની પણ સક્ષમ અધિકારીએ ખરાઈ કરી નથી.
1987માં સરકારે ગણોતધારા કલમ 64 આખેઆખી રદ્દ કરી છે, જે અનુસંધાને આવી સહકારી મંડળીઓએ હવે અન્ય વ્યક્તિની માફક ખેતીની જમીન બિન ખેડૂતને વેચવા અથવા ખેતીની કે બિનખેતીની હેતુ માટે ખરીદવા માટે તેમજ ગણોતધારાની કલમ 63 માં દર્શાવેલા વ્યવહારો માટે કલમ 63 નીચે કલેક્ટરની પરવાનગી લેવાની થાય છે, આ કિસ્સામાં પણ સરકારના તમામ નીતિ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યો છે.
અનિલ દાફડાએ વધુમાં જણાવ્યું કે આ અગાઉ પોપ્યુલર બિલ્ડર્સની કરોડોની કિંમતની ગેરકાયદેસર મંડળીવાળી જગ્યા સરકાર દાખલ કરવામાં આવી છે જેનો નવો કિસ્સો બહાર આવ્યો છે તો તેની તપાસ કરવાની રહે છે અને યોગ્ય કાર્વાહી કરવામાં આવે તેવી તેમણે ઘાટલોડીયા પ્રાંત અધિકારીને પત્ર સાથે પુરાવા રજૂ કરી રજૂઆત કરી છે.