Ahmedabad dog attack child death : રોટવાઇલર કૂતરાના હુમલાથી 4 વર્ષની બાળકીનું કરુણ મોત, સમગ્ર ઘટના CCTVમાં કેદ
Ahmedabad dog attack child death : અમદાવાદ શહેરના હાથીજણ સર્કલ નજીક આવેલી રાધે રેસિડેન્સી સોસાયટીમાં 4 વર્ષની એક નાની બાળકીના જીવનમાં અંધારું છાવી ગયું જ્યારે સોસાયટીમાં પાળેલા રોટવાઇલર જાતના કૂતરાએ તેના પર અચાનક હુમલો કર્યો. બાળકીને ગંભીર ઈજાઓ થવાથી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી.
આ ઘટના સોમવાર રાત્રે લગભગ 9 વાગ્યાની આસપાસ બની હતી. મળતી માહિતી અનુસાર, બાળકીને તેની કાકી બહાર હવામાં ફરવા લઈ ગઈ હતી અને તે બંને સોસાયટીના એક ખૂણામાં સિમેન્ટની ખુરશી પર બેઠા હતા. આ દરમિયાન, સોસાયટીના રહેવાસી દિલીપ પટેલની પુત્રી પોતાનું પાલતુ રોટવાઇલર કૂતરું લઇને બહાર હતી. તે કૂતરો પટ્ટામાં બાંધેલો હોવા છતાં, અજાગરૂકતાથી તે છટકી ગયો અને સીધો છોકરીની કાકી પર ધસી પડ્યો.
CCTV ફૂટેજ અનુસાર, કૂતરાએ પેલા હુમલો કરીને બાળકીની કાકીને જમીન પર પછાડી દીધી અને બાળકીને તેના ખોળામાંથી છીનવીને ઘાતક રીતે હુમલો કર્યો… આસપાસના લોકોએ તુરંત મદદ માટે દોડી આવ્યા અને બન્નેને નજીકની હોસ્પિટલ લઈ ગયા, પણ દુર્ભાગ્યે નાનકડી બાળકીના પ્રાણ બચી શક્યા નહીં.
આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોક અને રોષનું માહોલ છવાઈ ગયું છે. બાળકીના પિતા અજિત ડાભીએ દુ:ખ અને ગુસ્સામાં આવીને પોલીસ ફરિયાદ દાખલ કરવાની તથા પોસ્ટમોર્ટમ ન કરવાની જાહેરાત કરી. તેમના પરિવારના એક અન્ય સભ્યે જણાવ્યું કે આ કૂતરો અગાઉ પણ બે-ત્રણ વખત હુમલાની કોશિશ કરી ચૂક્યો છે.
સોસાયટીના લોકો તથા મૃત બાળકીના પરિવારજનો દ્વારા આ ઘટના અંગે ગંભીર વલણ દાખવવામાં આવી રહ્યું છે. તેઓ કૂતરાના માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની અને કડક સજા આપવાની માંગ કરી રહ્યાં છે.
આ ઘટનાએ શહેરમાં પાલતુ અને હુમલાખોર કુતરા અંગે ફરી એકવાર નિયમો અંગે ચર્ચા ઊભી કરી છે. પાલતુ પ્રાણીઓ રાખવા માટેની જવાબદારી અને સાવચેતી વિશે પણ નાગરિકોમાં ચિંતા જોવા મળી રહી છે.