Ahmedabad: નવરાત્રિમાં રોમીયાઓને રોકવા અમદાવાદ પોલીસનો ‘SHETeam’ એક્શન પ્લાન
Ahmedabad: અમદાવાદમાં પોલીસ પરંપરાગત પોશાકમાં ગરબા સ્થળ પર ચાંપતી નજર રાખનારી છે. મહિલા પોલીસે અમદાવાદમાં યોજાનાર શેરી ગરબા અંગે માહિતી એકત્ર કરવાની કામગીરી શરૂ કરી છે. શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં ‘SHETeam’ તૈનાત રહેશે. પાર્ટી પ્લોટ શેરી ગરબામાં સીસીટીવી ફરજિયાત બનાવાશે. પોલીસ નવરાત્રિ દરમિયાન CCTV દ્વારા રસ્તાઓ પર ઝીણવટભરી નજર રાખશે, જ્યાં કેમેરા નહીં હોય ત્યાં પરંપરાગત પોશાકમાં રોમિયોગીરી કરનારાઓને પોલીસ પાઠ ભણાવશે.
ગુજરાતના વિશ્વ પ્રસિદ્ધ ગરબા એટલે કે નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે
ત્યારે અમદાવાદ શહેર પોલીસે મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખાસ સુરક્ષા વ્યવસ્થા માટે ફૂલપ્રૂફ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. કોઈપણ મહિલાની સુરક્ષાનો ભંગ ન થાય અને રોમિયોગીરીના ગુનેગારો કોઈ યુવતી કે મહિલાની છેડતી ન કરી શકે તે માટે પાર્ટી પ્લોટ, ગરબા ગ્રાઉન્ડના પાર્કિંગ અને નજીકના અંધારિયા સ્થળોએ ફરજિયાતપણે લાઈટો લગાવવામાં આવશે. તેમજ ગરબા મેદાન તરફ જતા રોડ પર આવેલી દુકાનો અને રેસ્ટોરન્ટમાં સીસીટીવી લગાવવાના રહેશે. આ ઉપરાંત SHE ટીમ પરંપરાગત પોશાકમાં ફરીને રોડ રોમિયો પર પણ નજર રાખશે.
નવરાત્રિ દરમિયાન મહિલાઓની સુરક્ષા અંગે અમદાવાદ શહેર
મહિલા પોલીસ સ્ટેશનના એસીપી હિમાલા જોષીએ જણાવ્યું હતું કે ક્રાઈમ બ્રાન્ચ સ્થાનિક પોલીસ પાસેથી સ્થળની યાદી તૈયાર કરશે. જેમાં સ્થળ અને આયોજકો તેમજ હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની દુકાનો કે કોમર્શિયલ સ્થળોની આસપાસ સીસીટીવી કેમેરા ફરજીયાતપણે લગાવવામાં આવશે. આ ઉપરાંત સિગ્નલ અથવા ચાર રસ્તા અને આંતરિક માર્ગો સહિતના મુખ્ય માર્ગો પર પણ સીસીટીવી કેમેરા દ્વારા બારીકાઈથી નજર રાખવામાં આવશે. ખાસ કરીને રોડની સામે આવેલી દુકાનો કે ખાણીપીણીના સ્ટોલ પર 24 કલાક સીસીટીવી દ્વારા નજર રાખવામાં આવશે. આ ઉપરાંત જ્યાં ઓછી કે ઓછી લાઇટિંગ હોય તે સ્થળની આસપાસ સીસીટીવી લગાવવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.