Ahmedabad Plane Crash Assistance : અમદાવાદ પ્લેન દુર્ઘટના: 275 લોકોનું કરૂણ મોત
Ahmedabad Plane Crash Assistance : 12 જૂન 2025ના રોજ અમદાવાદના મેઘાણીનગરમાં એર ઈન્ડિયાની ફ્લાઇટ નં. 171 લંડન જતી વખતે દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. વિમાનમાં સવાર 242માંથી 241 મુસાફરોનું મૃત્યુ થયું, જ્યારે ક્રેશ સ્થળે હાજર અન્ય 30–35 લોકો સહિત કુલ 275 લોકો જીવ ગુમાવી બેઠાં. માત્ર એક જ વ્યક્તિ બચી શક્યો હતો.
253 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા
23 જૂન સુધીમાં 253 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા છે. એમાં 240 મુસાફરો તથા 13 અન્ય પીડિતોનો સમાવેશ થાય છે. 19 અન્ય પીડિતોમાંથી 13ની ઓળખ DNA ટેસ્ટ દ્વારા અને 6ની ઓળખ ચહેરાથી કરાઈ.
ટાટા ગ્રૂપ અને એર ઈન્ડિયાની વિશેષ સહાય યોજના
મૃતકોના પરિવારજનોને તાત્કાલિક સહાયરૂપે ટાટા ગ્રૂપ દ્વારા રૂ. 1 કરોડ તથા એર ઈન્ડિયા દ્વારા રૂ. 25 લાખ આપવામાં આવશે. સહાય પ્રક્રિયા માટે અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલા તાજ હોટેલમાં ખાસ ફેસિલિટેશન સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે.
ત્રીજા માળે ખાસ હેલ્પ ડેસ્ક
મૃતકો તથા ઇજાગ્રસ્તોના પરિવારજનો તાજ હોટેલના ત્રીજા માળે આવેલ હેલ્પ ડેસ્ક પર આવી જરૂરી દસ્તાવેજ રજૂ કરી શકે છે. જરૂરી દસ્તાવેજોમાં ડેથ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, DNA રિપોર્ટ સહિતના પુરાવાનો સમાવેશ થાય છે. દસ્તાવેજ ચકાસણી બાદ 3–4 દિવસમાં વળતરની ચેક આપવામાં આવી રહી છે.
પરિવારજનો માટે રૂબરૂ મુલાકાત
એર ઈન્ડિયા દ્વારા અગાઉથી ફોન કરી પીડિત પરિવારજનોને મુલાકાત માટે આમંત્રિત કરવામાં આવી રહ્યા છે. ત્રીજા માળે તેમની નોંધણી કરવામાં આવે છે અને સંબંધ તથા ઓળખની માહિતી તપાસીને આગળ વધારાની પ્રક્રિયા કરવામાં આવે છે.
ઇજાગ્રસ્તો માટે જરૂરી દસ્તાવેજ
ઇજાગ્રસ્ત પેસેન્જરોના પરિવારજનો માટે આધાર કાર્ડ તથા હોસ્પિટલમાં દાખલ કર્યાના દસ્તાવેજ જરૂરી છે. તમામ દસ્તાવેજ મેળવી લેવાયા બાદ દિલ્હી ઓફિસ દ્વારા ચકાસણી પૂર્ણ કરી વળતર આપવામાં આવે છે.
દુર્ઘટનાની ભયાનક ઘટના
12 જૂને અમદાવાદમાં બનેલી આ દુર્ઘટનાએ આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું. વિમાન મેડિકલ કોલેજના હોસ્ટેલ પર તૂટી પડતાં અનેક ડૉક્ટરો સહિત 275 લોકોએ જીવ ગુમાવ્યાં હતા. મૃતદેહોની હાલત એટલી ખરાબ હતી કે ઓળખ કરવી પણ મુશ્કેલ બની ગઇ હતી.
તંત્ર દ્વારા પીડિતોને તાત્કાલિક સહાય પૂરી પાડવાનો પ્રયાસ
હાલ અમદાવાદમાં તંત્ર તથા એર ઈન્ડિયા દ્વારા પીડિત પરિવારજનોને તાત્કાલિક સહાય આપવામાં આવી રહી છે, જેનાથી તેઓ દુઃખના સમયે આર્થિક સહારો મેળવી શકે.