ચેનલ હેડ,આગમ શાહ
કેમિકલ- લોખંડ ચોરી કૌભાંડમાં નારોલ પોલીસ ઇન્સ્પેક્ટર કે.એસ.પટેલ અને બે ફોજદાર સસ્પેન્ડ
અમદાવાદ કમિશનરે કોઈ પગલાં નહીં લેતા રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ નિર્ણય લેવો પડ્યો
શહેરમાં રોજેરોજ વિજિલન્સની રેડ પડતી હોવા છતાં સિનિયર અધિકારીઓ નીષ્ક્રીય !
કાંકરીયા યાર્ડમાંથી ચલાવવામાં આવતું લોખંડના સળિયાનુ ચોરી કૌભાંડ તેમજ કેમિકલ ચોરી કૌભાંડનો ડીજી વિજિલન્સની ટીમે પર્દાફાશ કરતા જવાબદાર નારોલ પોલીસ ઇન્સ્પેક્ટર કે.એસ.પટેલ તથા તેમના બે ફોજદાર આર, આર .આંબલીયા અને એચ .સી .પરમારને રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા છે. સામાન્ય સંજોગોમાં પોલીસ ઇન્સ્પેક્ટરની બેદરકારી છતી થાય અને વિજિલન્સની રેડ થાય તો પોલીસ કમિશનર દ્વારા તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવાતા હોય છે પરંતુ આ ઘટનામાં રાજયના પોલીસ વડાએ એક દિવસ રાહ જોઈ કે કમિશનર કોઈ પગલાં લે છે કેમ? કમિશનરએ કોઈ પગલા ન લેતા આખરે આશિષ ભાટિયાએ આકરો નિર્ણય લીધો છે.
માથાભારે આસ્ફાક આમિર શેખના માથે નારોલ અને દાણીલીમડા પોલીસનો હાથ હોવાથી તેણે કરોડો રૂપિયાના કેમિકલ ચોરી અને લોખંડ ચોરીના કૌભાંડો શરૂ કરી દીધા હતા. જે તમામ કૌભાંડની વિગતો ડીજી વિજિલન્સના એસીપી કે ટી કામરીયાની ટીમે એકત્રિત કરી લીધી હતી અને પૂરતું હોમવર્ક કર્યા બાદ રેડ પાડીને કાંકરિયા યાર્ડમાંથી ચોરેલા 87 ટન લોખંડના સળીયા 28 હજાર લિટર ચોરીનું કેમિકલ ઝડપી લેવામાં આવ્યું હતું. જેમાં નારોલ પોલીસ ઇન્સ્પેક્ટર પટેલની સીધી જવાબદારી સ્પષ્ટ થતી હતી. કૌભાંડમાં દાણીલીમડા પોલીસ નો પણ સિંહફાળો હોવાનું જાણી શકાયું છે.
નારોલ પોલીસ ની બેદરકારી વિજિલન્સની રેડ ને લઈને છતી થઈ ગઈ આ ઘટના બાદ રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ એક દિવસ રાહ જોઈ હતી કે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ નારોલ પોલીસ સામે કોઈ પગલાં લે છે કે કેમ?
સંજય શ્રીવાસ્તવે કોઈ પગલાં નહીં લેતા આખરે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ નારોલ પોલીસ ઇન્સ્પેક્ટર પટેલ અને તેમના બે ફોજદાર પરમાર તથા આંબલીયાને સીધા સસ્પેન્ડ કરી દે અમદાવાદ પોલીસ કમિશનરને એવો સ્પષ્ટ મેસેજ આપી દીધો છે કે ડીજીપી કંઈ પણ ચલાવી લેશે નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે કેમિકલ ચોરી અને લોખંડ ચોરી ઉપરાંત રાત્રે સાબરમતી નદીમાં તેમજ કેનાલમાં દૂષિત કેમિકલ નાખવાના કૌભાંડમાં નારોલ પોલીસની સાથે સાથે વટવા જીઆઈડીસી તેમજ વટવા પોલીસનો સીધો રોલ હોવાની વિગતો પણ ડીજીપી ઓફિસ સુધી પહોંચી છે. જોવાનું રહ્યું કે આ પોલીસ સામે પગલાં લેવાય છે કે કેમ?